calendar_todayMay 10, 2026
Sinor News: માલપુર માર્ગ પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત
શિનોરના મેનધોરી માર્ગ ઉપર આજે એક કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સેગવા તરફથી આવી રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને સામેથી આવી રહેલી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકને અડફેટે લીધા બાદ કાર ધડાકાભેર નજીકના ઝાડ સાથે જઈ અથડાઈ હતી, જેના કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
બાઇક ચાલક સંજય વસાવાનું કરુણ મોત
આ અકસ્માતમાં બાઇક ચાલક સંજય વસાવા (રહે. બરકાલ) ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બીજી તરફ, કાર ચાલકને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત કાર ચાલકને વધુ સારવાર માટે કરજણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
શિનોર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ઘટનાની જાણ થતા જ શિનોર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતક સંજય વસાવાના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ (PM) માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે કાર ચાલકે કયા સંજોગોમાં કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માતને પગલે બરકાલ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો