android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sofia Qureshi controversy: વિજય શાહ સામે કેસ ચલાવવાની મંજૂરી કેમ નથી? જાણો 3 કાયાદાકીય પેચ

calendar_todaySeptember 4, 2026

Sofia Qureshi controversy: વિજય શાહ સામે કેસ ચલાવવાની મંજૂરી કેમ નથી? જાણો 3 કાયાદાકીય પેચ

મે 2025માં આ મામલો સામે આવ્યા બાદ મધ્ય પ્રદેશ હાઈકોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈને પોલીસને FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને તપાસ માટે ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ એટલે કે SITની રચના કરવામાં આવી હતી. હવે SITએ તપાસ પૂર્ણ કરીને અભિયોજનની મંજૂરી માગી હતી, પરંતુ મધ્ય પ્રદેશ સરકારે આ મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. આ નિર્ણય બાદ સવાલ ઊભો થયો છે કે સરકાર પાસે આ માટે કયા કાનૂની આધાર છે?

વિવાદિત નિવેદનથી શરૂ થયો સમગ્ર મામલો

મે 2025માં ઓપરેશન સિંદૂર દરમિયાન મહૂમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વિજય શાહે એવું નિવેદન આપ્યું હતું, જેમાં ‘આતંકવાદીઓની બહેન’ જેવા શબ્દોનો ઉપયોગ થયો હતો. આ નિવેદનને ઓપરેશન સિંદૂરની મીડિયા બ્રીફિંગમાં સામેલ રહેલી કર્નલ સોફિયા કુરેશી સાથે જોડવામાં આવ્યું હતું. નિવેદન સામે ભારે વિરોધ થયો અને મામલો કાનૂની કાર્યવાહી સુધી પહોંચ્યો.

મધ્ય પ્રદેશ હાઈકોર્ટે આ મામલે સ્વતઃ સંજ્ઞાન લઈને પોલીસને FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 152, 196 અને 197 હેઠળ કેસ નોંધવામાં આવ્યો. આગળ જઈને સુપ્રીમ કોર્ટે તપાસ માટે ત્રણ સભ્યોની SITની રચના કરાવી હતી.

BNSની કલમ 196 કેમ મહત્વની?

આ કેસમાં સૌથી મહત્વની જોગવાઈ BNSની કલમ 196(1)(a) છે. આ કલમ એવા કૃત્યો સાથે સંબંધિત છે, જે ધર્મ, જાતિ, જન્મસ્થળ, નિવાસ, ભાષા, સમુદાય અથવા અન્ય આધાર પર અલગ-અલગ જૂથો વચ્ચે દુશ્મની, નફરત અથવા વૈમનસ્યની લાગણી ઊભી કરે અથવા તેને પ્રોત્સાહન આપે.

SITએ તપાસ દરમિયાન આ જોગવાઈને ધ્યાનમાં રાખીને કાર્યવાહી આગળ વધારી હતી. તપાસ પૂર્ણ થયા બાદ હવે આરોપી સામે અભિયોજન ચલાવવા માટે જરૂરી મંજૂરીનો મુદ્દો સામે આવ્યો.

BNSSની કલમ 217માં છે મુખ્ય કાનૂની પેચ

આ કેસમાં માત્ર BNSની કલમ જ નહીં, પરંતુ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 217 પણ મહત્વપૂર્ણ બની જાય છે. આ જોગવાઈ હેઠળ BNSની કલમ 196 હેઠળના કેટલાક ગુનાઓમાં કોર્ટ દ્વારા સંજ્ઞાન લેવામાં આવે તે પહેલાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી જરૂરી હોય છે.

અર્થાત્, SIT તપાસ પૂર્ણ કરી શકે છે, પુરાવા એકત્ર કરી શકે છે અને અભિયોજન માટે ભલામણ કરી શકે છે, પરંતુ કોર્ટમાં કેસ આગળ વધારવા માટે જરૂરી સરકારી મંજૂરી એક અલગ કાનૂની પ્રક્રિયા છે.

સરકારે મંજૂરી કેમ નકારી?

રાજ્ય સરકારનો કાનૂની તર્ક એ છે કે સંબંધિત જોગવાઈ હેઠળ કોર્ટ દ્વારા સંજ્ઞાન લેવા માટે સરકારની પૂર્વ મંજૂરી જરૂરી છે. સરકારને જો એવું લાગે કે કાયદાની જરૂરી શરતો પૂર્ણ થતી નથી અથવા ઉપલબ્ધ સામગ્રીના આધારે આ કલમ હેઠળ અભિયોજન આગળ વધારવા યોગ્ય આધાર નથી, તો તે મંજૂરી ન આપવાનો નિર્ણય લઈ શકે છે.

આથી SITની તપાસ પૂર્ણ થઈ હોવા છતાં કેસ આપમેળે ટ્રાયલ સુધી પહોંચી જાય એવું નથી. હવે સરકારના મંજૂરી ન આપવાના નિર્ણયને લઈને કાનૂની ચર્ચા વધુ મહત્વપૂર્ણ બની છે. મામલો આગળ કઈ દિશામાં જશે અને અદાલતો આ કાનૂની પેચને કેવી રીતે જુએ છે, તેના પર સૌની નજર રહેશે.