calendar_todayJanuary 10, 2026
Somnathમાં ‘સ્વાભિમાન પર્વ’નો ગુંજારવ: 108 અશ્વો સાથે નીકળશે ભવ્ય શોર્ય યાત્રા, જીતુ વાઘાણીએ કર્યું અશ્વરોહણ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ-2026’ ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ પર્વના ભાગરૂપે આગામી 11મી જાન્યુઆરીના રોજ એક ઐતિહાસિક શોર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સોમનાથના રક્ષણ કાજે બલિદાન આપનારા વીરોની સ્મૃતિને તાજી કરશે.
108 અશ્વોનું દબદબાભર્યું રિહર્સલ
આ શોર્ય યાત્રાનું મુખ્ય આકર્ષણ ગુજરાત પોલીસ અશ્વદળના 108 તાલીમબદ્ધ અશ્વો રહેશે. 15 જેટલા જિલ્લાઓમાંથી આવેલા આ અશ્વો અને અસવારોએ આજે સોમનાથના માર્ગો પર ભવ્ય રિહર્સલ કર્યું હતું. અશ્વસવારોના 'હર હર મહાદેવ' ના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય અને જોમવંતું બની ગયું હતું. આ યાત્રા શંખ સર્કલથી શરૂ થઈ હમીરજી ગોહિલ સર્કલ સુધી યોજાશે.
મહાનુભાવોની ઉપસ્થિતિ અને ઉત્સાહ
રિહર્સલ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી જીતુ વાઘાણીએ પોતે અશ્વ સવારી કરી અશ્વદળનો ઉત્સાહ વધાર્યો હતો. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ પર્વ સોમનાથની અતૂટ આસ્થા અને રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતીક છે.