android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

calendar_todaySeptember 8, 2026

Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

દેશના 72 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દિલ્હીની બહાર યોજાવા જઈ રહ્યો છે અને તેનું આયોજન ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર-કેવડિયામાં થવાનું છે. પરંતુ દેશ માટે ગૌરવની આ ક્ષણ પર રાજકીય વિવાદનો રંગ ચઢી ગયો છે. શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ પ્રશ્ન ઉઠાવ્યો કે, વર્લ્ડ કપ મેચો ગુજરાતમાં ખસેડવામાં આવી હતી અને હવે રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહ પણ ત્યાં ખસેડવામાં આવી રહ્યો છે. શા માટે? શું આપણા દેશમાં અન્ય કોઈ રાજ્યો નથી?

નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો 

ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપે ઠાકરે પર ગુજરાત પ્રત્યે પૂર્વગ્રહ રાખવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે કોંગ્રેસે પણ અલગ દલીલ સાથે સવાલો ઉઠાવ્યા છે કે દેશવ્યાપી કાર્યક્રમોના આયોજનમાં જે રાજ્યનું જે ક્ષેત્રમાં વિશેષ યોગદાન હોય તેને પણ પ્રાથમિકતા મળવી જોઈએ.

72 વર્ષની પરંપરા તૂટશે, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર હવે ગુજરાતમાં

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહના 72 વર્ષના ઇતિહાસમાં આ પહેલીવાર બનશે કે સમારોહ દિલ્હીની બહાર યોજાશે. આગામી 22 સપ્ટેમ્બરે ગુજરાતના એકતા નગર ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજેતાઓને પુરસ્કાર એનાયત કરશે.

હવે ગુજરાતના પ્રવાસન કેન્દ્ર એકતા નગરમાં કાર્યક્રમ

આ નિર્ણય માત્ર સ્થળ બદલવાનો નથી, પરંતુ રાષ્ટ્રીય કાર્યક્રમોને દેશના વિવિધ ભાગોમાં લઈ જવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. વર્ષો સુધી દિલ્હીમાં યોજાતા રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમને હવે ગુજરાતના પ્રવાસન કેન્દ્ર એકતા નગરમાં લઈ જવામાં આવી રહ્યો છે.

સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા

કેવડિયા, જેને હવે એકતા નગર તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 597 ફૂટ ઊંચી પ્રતિમા દેશના સૌથી મોટા પ્રવાસન આકર્ષણોમાં સામેલ છે.

ગુજરાત જ કેમ?’ કહી ઉદ્ધવે ગુજરાત પર ઉઠાવ્યા સવાલ

આ જાહેરાત બાદ ઉદ્ધવ ઠાકરેએ સીધો પ્રશ્ન કર્યો કે વારંવાર મોટા કાર્યક્રમો ગુજરાતમાં કેમ યોજાઈ રહ્યા છે? તેમણે કહ્યું કે વર્લ્ડ કપ મેચો ગુજરાતમાં ખસેડવામાં આવી હતી અને હવે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ પણ ગુજરાતમાં લઈ જવાઈ રહ્યો છે. ઠાકરેએ સવાલ કર્યો કે શું દેશમાં ગુજરાત સિવાય અન્ય કોઈ રાજ્ય નથી? જો કે આ નિવેદન બાદ અહીંથી રાજકીય વિવાદ શરૂ થયો છે. ભાજપનો આરોપ છે કે ઉદ્ધવ ઠાકરેનો વિરોધ માત્ર નિર્ણય સુધી મર્યાદિત નથી રહ્યો અને તેમાં ગુજરાતને લઈને નકારાત્મક રાજકીય સંદેશ દેખાઈ રહ્યો છે.

ભાજપનો પ્રહાર: ‘રાજકીય ચશ્મા ઉતારો, ગુજરાતની ઈર્ષ્યા બંધ કરો’

ગુજરાત ભાજપના પ્રવક્તા ડો. અનિલ પટેલે ઉદ્ધવ ઠાકરેના નિવેદનને પૂર્વગ્રહયુક્ત ગણાવ્યું છે. તેમણે કહ્યું કે જી-20ના કાર્યક્રમો પણ દેશના વિવિધ રાજ્યોમાં યોજાયા હતા અને દુનિયાના નેતાઓને ભારતના અલગ-અલગ પ્રદેશોની સંસ્કૃતિ અને પ્રગતિથી પરિચિત કરાવવામાં આવ્યા હતા. ડો. અનિલ પટેલે દલીલ કરી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અને છેલ્લા વર્ષોમાં દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે. હવે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ અહીં યોજાશે તો બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના મોટા કલાકારો પણ ગુજરાતમાં આવશે. આ કાર્યક્રમથી એકતા નગરને વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર તરીકે વધુ ઓળખ મળશે. સ્થાનિક લોકો માટે રોજગારી અને નાના વેપારીઓ માટે વ્યવસાયની તકો પણ ઊભી થશે. ઉદ્ધવ ઠાકરે એન્ડ કંપની સતત ગુજરાતની ઇર્ષા કરવા ટેવાયેલી છે. દેશમાં અનેક પ્રકારના ઉધ્યોગો અલગ રાજ્યમાં જાય તેનો પીએમનો પ્રયાસ છે. ઉદ્યોગ ધંધાનું વાતાવરણ હોય તો વિદેશના લોકો પણ રોકાણો કરે છે. મહારાષ્ટ્રમાં યુતિ સરકાર હતી ત્યારે પણ લોકો ત્યાં રોકાણ કરતા તેમણે રાજકીય ચશ્મા ઉતારી દેશના વિકાસ તરીકે વિચારવું જોઇએ 

કોંગ્રેસનો અલગ સવાલ: ફિલ્મનું કેન્દ્ર મહારાષ્ટ્ર, તો આયોજનનો આધાર શું?

આ મુદ્દે બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગેનીબેન ઠાકોરે અલગ દલીલ રજૂ કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતી તરીકે ગુજરાતમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજાય તે ગૌરવની વાત છે. પરંતુ દેશવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરતી વખતે જે રાજ્યનું જે ક્ષેત્રમાં સૌથી વધુ યોગદાન હોય તેને ધ્યાનમાં લેવું જોઈએ. ફિલ્મ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર મહારાષ્ટ્ર અને મુંબઈ છે. તેવી જ રીતે રમતગમત માટે હરિયાણા જેવા રાજ્યોનું વિશેષ યોગદાન છે અને વેપાર-ઉદ્યોગમાં ગુજરાત અગ્રેસર છે. કાર્યક્રમોનું આયોજન માત્ર કોઈ ચોક્કસ લોકોને લાભ પહોંચાડવાના હેતુથી ન થવું જોઈએ. જો આવા મોટા કાર્યક્રમોનો હેતુ માત્ર પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવાનો હોય તો તે યોગ્ય નથી.

રાષ્ટ્રીય કાર્યક્રમ ગુજરાતમાં, પણ રાજકીય ગરમી દેશભરમાં

એક તરફ 22 સપ્ટેમ્બરે એકતા નગરમાં દેશના ફિલ્મ જગતના મોટા કલાકારો એક મંચ પર આવશે અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના ઇતિહાસમાં નવો અધ્યાય લખાશે. બીજી તરફ આ રાજકીય વિવાદ સર્જાતા ગુજરાતનું નામ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે.  


આ પણ વાંચો :     Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?