calendar_todayMarch 22, 2026
Statue of Unityથી વડોદરા સુધી અંગદાન અને સ્વસ્થ જીવનશૈલીના સંદેશ સાથે 250 ભાવિ તબીબોની સાયકલ યાત્રા
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપલક્ષમાં નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન (NMO) દ્વારા એકતા નગરથી વડોદરા સુધી 'સ્વામી વિવેકાનંદ સ્વસ્થ જીવન શૈલી જાગરૂકતા સાયકલ યાત્રા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ સાયકલ યાત્રામાં 250થી વધુ ભાવિ તબીબો અને ડોક્ટરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યાત્રાનો મુખ્ય હેતુ સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવા સાથે હૃદય રોગ, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા બિન-સંક્રમિત રોગો વિશે લોકસંપર્ક કરીને માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
NMOCON-2026 રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન
"સ્વાસ્થ્ય સેવાથી રાષ્ટ્ર સેવા" અને "દર્દી દેવો ભવ:" ની ઉમદા ભાવનાથી પ્રેરિત NMO ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા મેડિકલ કોલેજ બરોડા ખાતે 45મું રાષ્ટ્રીય અધિવેશન – NMOCON-2026 તારીખ 21 અને 22 માર્ચ 2026 દરમિયાન આયોજિત કરવામાં આવ્યું છે. આ અધિવેશનમાં સમગ્ર ભારતમાંથી 2000થી વધુ મેડિકલ અને ડેન્ટલ વિદ્યાર્થીઓ તેમજ નિષ્ણાત ડોક્ટરો સામેલ થશે. કોન્ફરન્સ દરમિયાન વિવિધ શૈક્ષણિક સત્રો, વૈજ્ઞાનિક ચર્ચાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તબીબી જગતના પડકારો અને સફળતાઓ પર મંથન કરવામાં આવશે.
અંગદાન અને સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશ
આ સાયકલ યાત્રાને અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ (દાદા) દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શરૂ થયેલી આ યાત્રા મેડિકલ કોલેજ બરોડા ખાતે સંપન્ન થઈ હતી. માર્ગમાં આવતા ગામોમાં ભાવિ તબીબોએ નાગરિકો સાથે સંવાદ સાધીને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો.
તબીબોનો સામાજિક સેવાનો સંકલ્પ
યાત્રાના પ્રારંભે દિલીપ દેશમુખે આયોજકો અને ભાગ લેનાર તમામ તબીબોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, નેશનલ મેડિકોઝ દ્વારા અંગદાન જાગૃતિના સંદેશ સાથે આ યાત્રાનું આયોજન પ્રશંસનીય છે. આ પ્રકારના પ્રયાસોથી સમાજમાં અંગદાન પ્રત્યે સકારાત્મકતા આવશે અને તેના થકી અનેક જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન પ્રાપ્ત થશે. આ યાત્રાએ યુવા તબીબોમાં સેવાની ભાવનાને વધુ પ્રબળ બનાવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો