calendar_todaySeptember 8, 2026
Supaul Madrasa Food Poisoning: મદરેસામાં ફૂડ પોઇઝનિંગથી 4 વિદ્યાર્થીનીઓની તબિયત લથડી, એક વિદ્યાર્થીનીનું મોત
Supaul Madrasa Food Poisoning: બિહાર (Bihar)ના સુપૌલ (Supaul)માં એક ખાનગી મદરેસામાં રાત્રે જમ્યા બાદ 4 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગ (Food Poisoning) થયું હતુ. આ ઘટનામાં એક 10 વર્ષની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. આ ઘટના બસબિટ્ટી રોડ પર નગર પરિષદના વોર્ડ નંબર-19માં આવેલી એક ખાનગી મદરેસા (Madrasa)માં બની હતી. 7 સપ્ટેમ્બરની રાત્રે જમ્યા બાદ 4 વિદ્યાર્થીનીઓની અચાનક તબિયત બગડી હતી. તમામને શહેરની ખાનગી ક્લિનિકમાં દાખલ કરવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન મંગળવારે એક વિદ્યાર્થીનીનું મોત થયું છે, જ્યારે અન્ય વિદ્યાર્થીનીઓની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
2 વર્ષથી ચાલી રહી છે મદરેસા
મૃતક વિદ્યાર્થીનીની ઓળખ નેમુઆ ગામના કમર આલમની 10 વર્ષની દીકરી અલફિશા તરીકે થઈ છે. અલફિશા છેલ્લા લગભગ દોઢથી 2 વર્ષથી આ જ મદરેસામાં રહીને અભ્યાસ કરતી હતી. મદરેસા સંચાલકના જણાવ્યા પ્રમાણે અહીં લગભગ 60-65 વિદ્યાર્થીનીઓ રહેવાની સુવિધા સાથે અભ્યાસ કરે છે. આ મદરેસા છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે.
જમ્યા બાદ તબિયત બગડી
મદરેસાના સંચાલક ખલીલ રહેમાને જણાવ્યું હતું કે ગત સોમવારે અલફિશાની માતા પોતાની દીકરીને મળવા આવી હતી. તેઓ દીકરી માટે મીઠાઈ અને સમોસા લઈને આવ્યા હતા અને ત્યારબાદ પરત જતા રહ્યા હતા. તે જ રાત્રે જમ્યા બાદ 4 વિદ્યાર્થીનીઓની અચાનક તબિયત બગડી હતી.
બીમાર પડેલી વિદ્યાર્થીનીઓમાં અલફિશા ઉપરાંત આફિયા, સહાના ખાતૂન અને હલીમા સાદિયા સામેલ છે. તમામને તાત્કાલિક ખાનગી ક્લિનિકમાં લઈ જવામાં આવી હતી. સારવાર દરમિયાન અલફિશાની તબિયત વધુ બગડી અને તેનું મોત થયું.
પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ મદરેસા પહોંચી હતી. તપાસ કરવામાં આવી અને મદરેસાના સંચાલક સહિત અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ, પરિવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો છે.
સદર એસડીએમ મનોહર કુમાર સાહે જણાવ્યું હતું કે માહિતી મળ્યા બાદ તેઓ એસડીપીઓ અને પોલીસ સ્ટેશનના અધિકારી સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે એક વિદ્યાર્થીનીના મોતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે અન્ય 2-3 વિદ્યાર્થીનીઓની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીએમ સાવન કુમારના નિર્દેશ પર જિલ્લા શિક્ષણ કચેરીની ટીમે પણ મદરેસાની તપાસ કરી હતી. અધિકારીઓએ સંસ્થાનું સંચાલન, ઉપલબ્ધ સુવિધાઓ, વિદ્યાર્થીનીઓના રહેવાની વ્યવસ્થા અને સંબંધિત દસ્તાવેજોની માહિતી મેળવી હતી. વિદ્યાર્થીનીઓને રહેણાંક સુવિધા સાથે રાખવાની મંજૂરી સંસ્થાને મળી છે કે નહીં અને નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
સદર એસડીઓના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં મામલો ફૂડ પોઇઝનિંગ સાથે જોડાયેલો હોવાનું જણાય છે, પરંતુ વિદ્યાર્થીનીઓની તબિયત બગડવાનું સાચું કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
એસપીએ શું કહ્યું?
એસપી શરથ આરએસે જણાવ્યું કે બસબિટ્ટી રોડ પર આવેલી મદરેસામાં એક બાળકીના મોત અને અન્ય ઘણી બાળકીની તબિયત બગડવાની માહિતી પોલીસને મળી હતી. ડોક્ટરો સાથે વાતચીત અને તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ સામે આવશે.