android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: તબીબ વેવાઈ પાસે 10 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપનાર પિતા-પુત્ર અઢી વર્ષે ઝડપાયા

calendar_todaySeptember 18, 2026

Surat: તબીબ વેવાઈ પાસે 10 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપનાર પિતા-પુત્ર અઢી વર્ષે ઝડપાયા

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી જાણીતી શિવ સર્જિકલ હોસ્પિટલના સિનિયર તબીબ ડૉ. કાંતીલાલ વઘાસીયા અને તેમના પરિવારને ધમકી આપી આતંક મચાવનાર ફરાર પિતા-પુત્રની જોડીને પોલીસે ઝડપી પાડી છે. આરોપી પરેશ ગજેરા અને તેનો પુત્ર ઋષિત ગજેરા પોતાના બનેવી પાસે નીકળતા આશરે 20 વર્ષ જૂના 10 લાખના હિસાબની વસૂલાત કરવા માટે બનેવીના તબીબ વેવાઈ ડૉ. કાંતીલાલ વઘાસીયા પાસે પઠાણી ઉઘરાણી કરતા હતા.

વરાછાના ડોક્ટર પાસે પઠાણી ઉઘરાણી

આરોપીઓએ ડૉક્ટરને ફોન અને મેસેજ કરીને 'તારું બધું પડ્યું રહેશે, વાપરવાવાળું કોઈ નહીં રહે' જેવી ગંભીર અને ગર્ભિત ધમકીઓ આપી તેમના પુત્રના જીવનું જોખમ ઊભું કર્યું હતું. આ ઉપરાંત નાણાં વસૂલવા માટે આરોપીઓએ અલથાણા ખાતે આવેલી તબીબની પુત્રવધૂની ક્લિનિક અને તેમની કારમાં તોડફોડ કરીને ભારે આતંક મચાવ્યો હતો. આ સમગ્ર હિંસક અને ધમકીભર્યા બનાવ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદથી જ પોલીસને થાપ આપીને પિતા-પુત્ર પરેશ ગજેરા અને ઋષિત ગજેરા છેલ્લા અઢી વર્ષથી સતત ફરાર ચાલી રહ્યા હતા.

નાસતા-ફરતા પિતા-પુત્રને દબોચી લીધા

વરાછા પોલીસની ટીમે બાતમીદારોનું નેટવર્ક સક્રિય રાખીને મળેલી ચોક્કસ માહિતીના આધારે સુરતના ઉમરાગામ વિસ્તારમાં આવેલા શિવ બંગ્લોઝ ખાતે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન અઢી વર્ષથી નાસતા-ફરતા બંને પિતા-પુત્રને સ્થળ પરથી દબોચી લીધા છે. પોલીસે બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: પત્નીએ તાપી કિનારે પ્રેમી સાથે જીવન ટૂંકાવ્યું; વિશ્વાસઘાત અને આઘાતમાં પતિએ લીધો આત્યંતિક નિર્ણય