android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: ‘બેટા, ભણવામાં ધ્યાન આપ અને ફોન મૂકી દે’... માતાની સલાહ બાદ 11મા ધોરણના પીયૂષે જીવનલીલા સંકેલી લીધી

calendar_todayOctober 28, 2026

Surat: ‘બેટા, ભણવામાં ધ્યાન આપ અને ફોન મૂકી દે’... માતાની સલાહ બાદ 11મા ધોરણના પીયૂષે જીવનલીલા સંકેલી લીધી

સુરત શહેરના સચિનમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધોરણ 11 માં અભ્યાસ કરતા માત્ર 16 વર્ષના સગીર કિશોરે અગમ્ય કારણોસર પોતાના ઘરે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે. મૃતક કિશોરની ઓળખ પીયૂષ રાજેન્દ્ર ચૌરસિયા તરીકે થઈ છે, જેનું મૂળ વતન ઉત્તર પ્રદેશ હતું અને તેનો પરિવાર સુરતના સચિન વિસ્તારમાં સ્થાયી થયો હતો. માતા અભ્યાસ પર ધ્યાન આપવા અને મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો કરવા વારંવાર શિખામણ આપતી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. દીકરાના અકાળે અવસાનથી શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

‘મોબાઈલ ઓછો વાપર અને ભણવા બેસ’

મૃતક પીયૂષ ચૌરસિયા ધોરણ 11 નો વિદ્યાર્થી હતો અને સામાન્ય દિવસોની જેમ પોતાના ઘરમાં રહેતો હતો.કિશોરના પિતાના જણાવ્યા મુજબ, પીયૂષ સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતો હોવાથી તેની માતા તેને સામાન્ય રીતે ટકોર કરતી હતી કે અભ્યાસનું વર્ષ મહત્વનું છે, તેથી મોબાઈલનો ઉપયોગ ઓછો કરીને વાંચવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.માતા-પિતાની આ સામાન્ય સલાહ પાછળ કિશોરે આવું અંતિમ અને આત્યંતિક પગલું ભર્યું કે પછી તેની પાછળ કોઈ અન્ય માનસિક તણાવ કે શાળા-પરીક્ષાનું દબાણ હતું, તે અંગેનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.

પરિવારમાં આક્રંદ: સચિન પોલીસ તપાસમાં જોતરાઈ

કિશોરને અચેત હાલતમાં જોતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને તાત્કાલિક બૂમાબૂમ કરી મૂકી હતી. આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને તાબડતોબ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.એકના એક વહાલસોયા દીકરાના મોતથી માતા-પિતા અને સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.બનાવની જાણ થતાં જ સચિન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ પહોંચ્યો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી.કિશોરના મોબાઈલ ફોનની વિગતો, મિત્રો અને સ્કૂલના સંદર્ભમાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી આપઘાત પાછળનું સાચું કારણ જાણી શકાય.

આ પણ વાંચો: Ahmedabad: ફૂટપાથ પર દુકાનદારોનો અડિંગો; લારી-ગલ્લાના કબજા સામે AMC ઊંઘતું ઝડપાયું!