calendar_todayFebruary 13, 2026
Surat: એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના ટળી, રન-વે પર 140ની ઝડપે ઇન્ડિગો ફ્લાઇટના ટાયર ઢસડાયા
સુરત એરપોર્ટ પર બુધવારે રાત્રે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી હતી, જેમાં ઇન્ડિગોની કોલકત્તા-સુરત ફ્લાઇટ ઉતરતી વખતે મોટી દુર્ઘટનાનો શિકાર બનતા સહેજમાં બચી ગઈ હતી. પાયલટની સમયસૂચકતા અને વ્યાવસાયિક કુશળતાને કારણે વિમાનમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
પ્લેનના ટાયર રન-વે પર ઘસડાયા
બુધવારે રાત્રે જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટ સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી, ત્યારે ટચ-ડાઉન થતાની સાથે જ પ્લેનના ટાયર રન-વે પર જોરદાર અવાજ સાથે ઘસડાયા હતા. આ સમયે પ્લેનની ઝડપ અંદાજે 140 કિમી પ્રતિ કલાક હતી. રન-વે પર ટાયર ઘસડાવાને કારણે પ્લેન પરનું નિયંત્રણ ગુમાવવાની ભીતિ સેવાઈ રહી હતી.
પાયલટનો ‘લાઇફ સેવિંગ’ નિર્ણય
પરિસ્થિતિની ગંભીરતા પારખીને પાયલટે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર "પ્રિ-કોશનરી ગો અરાઉન્ડ" (Pre-cautionary Go Around) લેવાનો નિર્ણય કર્યો હતો. પ્લેન રન-વે પર ટચ થઈ ગયું હોવા છતાં, પાયલટે ‘ઝીરો ફૂટ’ થી ફૂલ પાવર આપીને વિમાનને ફરી હવામાં ટેક-ઓફ કરી દીધું હતું. અચાનક વિમાન ફરી હવામાં ફંગોળાતા મુસાફરોના જીવ ટાળવે ચોંટ્યા હતા.
વિમાનનું ફરીથી સુરક્ષિત લેન્ડિંગ
હવામાં થોડો સમય ચક્કર લગાવ્યા બાદ, પાયલટે વિમાનનું ફરીથી સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. વિમાન રન-વે પર સ્થિર થતા જ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પાયલટનો આભાર માન્યો હતો. આ સમગ્ર ઘટનાને કારણે ફ્લાઇટ નિર્ધારિત સમય કરતા 20 મિનિટ મોડી પડી હતી.
આ પણ વાંચો: Surat: લિંબાયતમાં 10 લાખની ઘરફોડ ચોરી, સોના-ચાંદીના ઘરેણાં લઈ તસ્કરો ફરાર