android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: ભરૂચની પરંપરાગત 200 વર્ષ જૂની સુજની વણાટ કલા આકર્ષણનું કેન્દ્ર

calendar_todayMay 2, 2026

Surat: ભરૂચની પરંપરાગત 200 વર્ષ જૂની સુજની વણાટ કલા આકર્ષણનું કેન્દ્ર

સુરત ખાતે આયોજીત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 અંતર્ગત વિવિધ હસ્તકલા અને ઉદ્યોગોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં રાજયના હસ્તકલા વારસોને ઉજાગર કરવાના ભાગરૂપે ભરૂચની લુપ્ત થતી સુજની કળાના પ્રદર્શનને વિશેષ સ્થાન મળ્યુ છે. આ અવસરે સરકાર દ્વારા પુરા પાડવામાં આવતા મંચની સરાહના કરતા કારીગર મોહમ્મદ મુઝક્કીર સુજનીવાલાએ જણાવ્યુ હતુ કે, સરકારના સતત સહયોગથી જ આ કળાને નવજીવન મળ્યુ છે. ભરૂચના રહેવાસી મોહમ્મદ મુઝક્કીર સુજનીવાલા વર્ષોથી ભરૂચની આગવી ઓળખ સમાન સુજની વણાટ કલા સાથે જોડાયેલા છે. તેઓએ જણાવ્યુ કે, અમે ભરૂચની એ ઐતિહાસિક અને પરંપરાગત સુજની વણાટનું કામ કરીએ છીએ જે આજે કાળક્રમે લુપ્ત થતી જતી કળા ગણાય છે. આ લુપ્ત થતી કલાને જીવંત રાખવા બદલ વર્ષ 2021 માં હાથશાળ-હસ્તકલા રાજય એવોર્ડ માટે શ્રેષ્ઠ કારીગર તરીકે અમારી પસંદગી કરવામાં આવી હતી. વાયબ્રન્ટ ગુજરાત જેવા પ્લેટફોર્મ અને બીટુબી (બિઝનેસ ટુ બિઝનેસ) માધ્યમથી આ હસ્તકલાને નવા બજારો અને અનેક નવા ગ્રાહકો મળી રહ્યા છે જે કારીગરો માટે આશાનું કિરણ છે. આ કળાના સંરક્ષણ અને કારીગરોના ઉત્થાન માટે તેમણે રેવા સુજની નામની કો-ઓપરેટીવ સોસાયટીની સ્થાપના કરી છે જેના માધ્યમથી તેઓ આ કલાને જન-જન સુધી પહોંચાડી રહ્યા છે અને આ જ માધ્યમથી તેઓ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના મંચ સુધી પહોંચ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો