calendar_todayFebruary 22, 2026
Surat: લગ્નની લાલચે 23 વર્ષીય યુવતીનું 5 વર્ષ સુધી શારીરિક શોષણ, મંદિરમાં ખોટા લગ્ન કરી પ્રેમી થયો ફરાર
શહેરના લિંબાયત વિસ્તારમાં પ્રેમ અને વિશ્વાસના નામે યુવતી સાથે છેતરપિંડીની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લગ્નની લાલચ આપી એક યુવતીનું સતત પાંચ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યા બાદ, જ્યારે યુવતીએ કાયદેસરના લગ્નની માંગણી કરી ત્યારે પ્રેમી તેને તરછોડીને ફરાર થઈ ગયો છે. આ મામલે પીડિતાએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મંદિરમાં વરમાળા પહેરાવી રચ્યું લગ્નનું નાટક
મળતી માહિતી મુજબ, લિંબાયત વિસ્તારની 23 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી આરોપી સાગર ભામરે તેને લગ્નની ખાતરી આપી હતી. આરોપી યુવતીને અઠવાલાઇન્સ સ્થિત કાશી વિશ્વનાથ મંદિરે લઈ ગયો હતો. ત્યાં તેણે યુવતીને વરમાળા પહેરાવીને 'આપણા લગ્ન થઈ ગયા છે' તેવો વિશ્વાસ અપાવ્યો હતો. આ જુઠ્ઠાણાના સહારે તેણે યુવતીને પત્નીની જેમ રાખી પાંચ વર્ષ સુધી તેનું યૌનશોષણ કર્યું હતું.
કોર્ટ મેરેજની માંગ કરતા જ અસલી ચહેરો સામે આવ્યો
પાંચ વર્ષના લાંબા ગાળા બાદ જ્યારે યુવતીએ સાગર પાસે કાયદેસરના કોર્ટ મેરેજ કરવાની જીદ કરી, ત્યારે સાગરનો અસલી ચહેરો સામે આવ્યો હતો. કાયદેસર રીતે પત્નીનો દરજ્જો આપવાને બદલે સાગરે યુવતીને તરછોડી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો. યુવતીને અહેસાસ થયો કે તેની સાથે માત્ર શારીરિક સંબંધ બાંધવા માટે જ લગ્નનું ખોટું નાટક કરવામાં આવ્યું હતું.
પોલીસ કાર્યવાહી
પોતાની સાથે થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવતા યુવતીએ લિંબાયત પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે આરોપી સાગર ભામરે વિરુદ્ધ બળાત્કાર અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.