calendar_todayMarch 5, 2026
Surat: રાંદેરમાં બંધ મકાનોને ટાર્ગેટ કરતી ઘરફોડ ગેંગ ઝડપાઈ, 4 લાખથી વધુના દાગીના સાથે કિશોર સહિત 4ની ધરપકડ
શહેરના રાંદેર વિસ્તારમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને અંકુશમાં લેવા માટે રાંદેર પોલીસે જાળ બિછાવી હતી, જેમાં એક શાતિર ઘરફોડ ગેંગ આબાદ ઝડપાઈ ગઈ છે. પોલીસે એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી લાખોની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
મુખ્યત્વે એવા બંધ મકાનોને ટાર્ગેટ કરતા
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ અત્યંત આયોજનબદ્ધ રીતે ચોરીને અંજામ આપતી હતી. તેઓ મુખ્યત્વે એવા બંધ મકાનોને ટાર્ગેટ કરતા હતા જ્યાં પરિવાર બહાર ગયો હોય. ચોરી દરમિયાન ગેંગના બે સભ્યો ઘરની અંદર ઘૂસીને કિંમતી સામાનની ચોરી કરતા હતા, જ્યારે અન્ય બે સભ્યો ઘરની બહાર ઉભા રહીને કોઈ આવી ન જાય તે માટે સતત વોચ રાખતા હતા.
મુદ્દામાલ અને ગુનાની કબૂલાત
આ ટોળકીએ ગત 27 ફેબ્રુઆરી 2026 ના રોજ રાંદેર વિસ્તારમાં એક બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 4.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ કાર્યવાહી
રાંદેર પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગે શહેરના અન્ય કયા વિસ્તારોમાં ચોરી કરી છે અને તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.