calendar_todayMay 5, 2026
Surat : પશ્ચિમ બંગાળમાં શૂઝ સપ્લાયના નામે નકલી ટેન્ડર બતાવી 7 કરોડનું ફૂલેકું ફેરવનારા 2ની ધરપકડ
સુરતમાં વધુ એક મોટું ટેન્ડર કૌભાંડ સામે આવ્યું છે. પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં શૂઝ સપ્લાય કરવાના બહાને પાંચ ઠગબાજોએ એક વેપારી સાથે રૂપિયા 7 કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સુરત ઇકો સેલમાં નોંધાઈ છે. આ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી છે.
35 કરોડના ટેન્ડરની લાલચ આપી
સમગ્ર ઘટનાની વિગત મુજબ, પાંચ આરોપીઓએ ભેગા મળીને ફરિયાદી વેપારીને વિશ્વાસમાં લીધા હતા કે તેમની પાસે પશ્ચિમ બંગાળ સરકારનું રૂપિયા 35 કરોડનું શૂઝ સપ્લાય કરવાનું મોટું ટેન્ડર છે. આ ટેન્ડર અપાવવા અને કામ શરૂ કરવાના બહાને કમિશન પેટે ફરિયાદી પાસેથી કટકે-કટકે રૂપિયા 7 કરોડ પડાવી લીધા હતા. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે પશ્ચિમ બંગાળ સરકારના લેટરપેડ અને સિક્કાવાળા ખોટા વર્ક ઓર્ડર અને ડોક્યુમેન્ટ્સ પણ બનાવી આપ્યા હતા.
તપાસ કરતા ભાંડો ફૂટ્યો
લાંબો સમય વીત્યા પછી પણ કામ આગળ ન વધતા અને શંકા જતા ફરિયાદીએ પશ્ચિમ બંગાળ સરકારના સંબંધિત વિભાગમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આવું કોઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું જ નથી અને ફરિયાદીને આપવામાં આવેલા તમામ ડોક્યુમેન્ટ્સ નકલી હતા. ઠગાઈનો અહેસાસ થતા જ ભોગ બનનારે સુરત ઇકો સેલ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
બે આરોપી જેલહવાલે, અન્યની શોધખોળ
ઇકો સેલે ગુનો નોંધીને ત્વરિત કાર્યવાહી કરતા કિશોર વાઘેલા અને સિમીસ નોચલિન નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે આંતરરાજ્ય કૌભાંડ આચરવા માટે સરકારી તંત્રના નામે નકલી દસ્તાવેજો બનાવવામાં માસ્ટરી મેળવી હતી. હાલમાં પોલીસ અન્ય ફરાર ત્રણ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો---- West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન