calendar_todayAugust 23, 2026
Suratના જહાંગીરપુરામાં નિર્માણાધીન બિલ્ડિંગના 8મા માળેથી પટકાતાં કલર કામ કરતા યુવકનું મોત
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક અત્યંત દર્દનાક દુર્ઘટના સામે આવી છે. જહાંગીરપુરા મોરા ભાગળ નજીક આવેલી એક નિર્માણાધીન બિલ્ડિંગના આઠમા માળે કલર કામ કરી રહેલો યુવક અચાનક બાલકનીમાંથી નીચે પટકાયો હતો. કામ દરમિયાન સેફ્ટીના કોઈ પણ સાધનો કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આઠમા માળેથી નીચે પટકાતાં યુવકને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
બાલકનીમાં કામ કરતી વખતે સર્જાઈ દુર્ઘટના
આ કરુણ ઘટનામાં જીવ ગુમાવનાર યુવકની ઓળખ નાઝીમ સૈયદ તરીકે થઈ છે. નાઝીમ છેલ્લા 10 વર્ષથી કલર કામનો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેની સાથે જ કામ કરતા સાથી કર્મચારી તૌસિફે નાઝીમના પરિવારને ફોન કરીને જાણ કરી હતી કે નાઝીમ આઠમા માળેથી નીચે પડી ગયો છે. મૃતક નાઝીમ પોતાના પરિવારમાં પત્ની અને ૩ નાના સંતાનો (બે દીકરા અને એક દીકરી)ને વિલાપ કરતા છોડી ગયો છે. પરિવારના મોભીના અચાનક અવસાનથી પરિવારજનો પર દૂખનો પહાડ તૂટી પડ્યો છે.
3 બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા
ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ત્વરિત સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બિલ્ડિંગ નિર્માણ સાઇટ પર શ્રમિકો માટે સુરક્ષાના સાધનો રાખવામાં આવ્યા હતા કે નહીં અને આ બેદરકારી માટે કોણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. શ્રમિકના અકાળે અવસાનથી મૃતકના પરિવાર અને સ્થાનીય વિસ્તારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.