calendar_todayApril 5, 2026
Suratના લિંબાયતમાં એક્સિસ બેંકનું ATM તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
સુરતના લિંબાયત વિસ્તારમાં એક્સિસ બેંકના એટીએમને નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ કરનાર રીઢા તસ્કરને લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. લિંબાયત પોલીસની સતર્કતા અને ટેકનિકલ સર્વેલન્સને કારણે લાખોની રોકડ ચોરાતા બચી ગઈ છે, જોકે આરોપીએ એટીએમ મશીનને ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે.
100 CCTV ફૂટેજ અને પોલીસની કામગીરી
મળતી માહિતી મુજબ, લિંબાયત પોલીસ મથકની હદમાં આવેલી એક્સિસ બેંકના એટીએમમાં મોડી રાત્રે ચોરીનો પ્રયાસ થયો હતો. આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તપાસ દરમિયાન પોલીસે વિસ્તારના અંદાજે 100 જેટલા સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજ અને બાતમીદારોના આધારે પોલીસે આરોપી સાબીર નજમુદીન શેખની ધરપકડ કરી છે. પોલીસની ત્વરિત કામગીરીને પગલે ચોરીની મોટી ઘટના ટળી છે.
બેંકને રૂ.3 લાખનું આર્થિક નુકસાન
આરોપી સાબીરે એટીએમમાંથી કેશ ચોરવાના ઇરાદે મશીન સાથે ભારે તોડફોડ કરી હતી. તેણે એટીએમની સ્ક્રીન, પ્રિન્ટર, કાર્ડ રીડર અને શટર એસેમ્બલી જેવા મહત્વના સાધનો તોડી નાખ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ, આરોપીએ બેંકના એટીએમ મશીનને અંદાજે રૂપિયા 3,00,000 (3 લાખ) જેટલું મોટું નુકસાન પહોંચાડ્યું છે. હાલ લિંબાયત પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે કે આ અગાઉ તેણે અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો