android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat Crime News: બાઈક ધીમે ચલાવવાનું કહેતા લોહિયાળ જંગ

calendar_todayJanuary 7, 2026

Surat Crime News: બાઈક ધીમે ચલાવવાનું કહેતા લોહિયાળ જંગ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામેથી એક અત્યંત ચોંકાવનારી અને હિંસક ઘટના સામે આવી છે. માત્ર બાઈક ધીમે ચલાવવાની શિખામણ આપવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે રજૂઆત કરનારના ભાઈ પર હિંસક હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે.

બાઈક ચલાવવા બાબતે થઈ બબાલ

ઘટનાની મળતી માહિતી અનુસાર, પીપોદરા ગામની એક સોસાયટીમાં રાજા પાંડે નામનો શખ્સ પોતાની મોટર સાયકલ પૂરપાટ ઝડપે અને જોખમી રીતે ચલાવી રહ્યો હતો. આ બાબતે સોસાયટીના એક રહીશે તેને 'બાઈક સંભાળીને ચલાવ' તેમ કહી ઠપકો આપ્યો હતો. આ સામાન્ય વાતમાં ઉશ્કેરાયેલા રાજા પાંડેએ પોતાની અદાવત રાખી હતી.

ઘરમાં ઘૂસી લાકડાના સપાટા માર્યા

ઠપકાનો બદલો લેવા માટે રાજા પાંડે તેના અન્ય ત્રણ સાગરીતો સાથે સોસાયટીમાં ધસી આવ્યો હતો. આરોપીઓએ ઠપકો આપનારના ભાઈને ટાર્ગેટ બનાવી તેના ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો. હાથમાં લાકડાના સપાટા લઈ આવેલા આ શખ્સોએ યુવકને નિર્મમ રીતે ફટકાર્યો હતો, જેના કારણે તે લોહીલુહાણ થઈ ગયો હતો. હુમલા બાદ સોસાયટીમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

ઘટના સીસીટીવીમાં કેદ

આ સમગ્ર મારામારીની ઘટનાના રૂંવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ફૂટેજમાં આરોપીઓ લાકડા સાથે આતંક મચાવતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ મામલે ઈજાગ્રસ્ત યુવકના પરિવારે ફરિયાદ નોંધાવતા કોસંબા પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસે મુખ્ય આરોપી રાજા પાંડે સહિત કુલ ચાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને સીસીટીવી ફૂટેજના આધારે પુરાવા એકત્રિત કરી રહી છે.


આ પણ વાંચો - Surat ક્રાઇમ બ્રાન્ચે રિક્ષા ગેંગને ઝડપી પાડી, મહિલા મુસાફરોને લક્ષ્ય બનાવી ચોરી કરતી હતી