android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: MLA કાંતિ બલરની ઓફિસમાં ભાજપના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી, પ્રદેશ પ્રમુખ સુધી પહોંચ્યો મામલો

calendar_todayAugust 5, 2026

Surat: MLA કાંતિ બલરની ઓફિસમાં ભાજપના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી, પ્રદેશ પ્રમુખ સુધી પહોંચ્યો મામલો

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5 માં ભાજપના આંતરિક આક્ષેપ-પ્રતિઆક્ષેપો હવે સરેઆમ મારામારી અને ઝપાઝપી સુધી પહોંચી ગયા છે. ભાતની વાડી સોસાયટીના સ્થાનિક પ્રશ્નો અને મકાનો તોડવા અંગેના વિવાદને ઉકેલવા માટે સુરત ઉત્તરના ધારાસભ્ય કાંતિ બલરની કાર્યાલય ખાતે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મામલો ભાજપ પ્રદેશ પ્રમુખ સુધી પહોંચ્યો!

સુરત ભાજપમાં મોટો ભડકો

વોર્ડ નંબર ૫ ના મહિલા નગરસેવક જયશ્રીબેન વોરા અને તેમના પતિ મનહર વોરાના આક્ષેપ અનુસાર, બેઠક દરમિયાન જ વોર્ડ નંબર 5 ના જ અન્ય નગરસેવક અને મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ (TP) કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે ખુરશી વડે હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં જયશ્રીબેનને હાથના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે મનહર વોરાના ડાબા હાથના અંગૂઠામાં ફેક્ચર થયું હોવાનો દાવો કરાયો છે.

MLA કાંતિ બલરની ઓફિસમાં જ નગરસેવકો વચ્ચે ઝપાઝપી

કોર્પોરેટર દંપતીએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે હુમલો થઈ રહ્યો હતો ત્યારે ધારાસભ્ય કાંતિ બલર વચ્ચે પડવાના બદલે તમાશો જોઈ રહ્યા હતા અને પોલીસ ફરિયાદ ન કરવા દબાણ કરી રહ્યા હતા. આ મામલે તેમણે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વર્મા, પ્રશાંત કોરાટ અને સ્થાનિક પ્રમુખ પરેશ પટેલને સત્તાવાર ફરિયાદ પાઠવી છે.

ધારાસભ્ય અને ટીપી ચેરમેનની સ્પષ્ટતા

આ તમામ આક્ષેપો સામે ધારાસભ્ય કાંતિ બલરે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "મારી ઉપર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે. મારી ઓફિસમાં મારામારી થાય અને હું ચૂપ બેસું તે વાત શક્ય જ નથી. મેં બંને પક્ષોને છોડાવ્યા હતા અને કોઈ મહિલા પર હુમલો થયો નથી."

મેં કોઈના ખોટી રીતે મકાનો તોડ્યા નથી-ટીપી ચેરમેન

બીજી તરફ ટીપી ચેરમેન મહેન્દ્ર દેસાઈએ જણાવ્યું કે, "મેં કોઈના ખોટી રીતે મકાનો તોડ્યા નથી. મીટિંગ બાદ માત્ર ચા-પાણી વખતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પાર્ટીના શિસ્તનું અમે સંપૂર્ણ પાલન કરીએ છીએ. ચારેય નગરસેવકો સાથે મળીને કામ કરીશું, અમારી વચ્ચે મતભેદ હોઈ શકે છે પણ મનભેદ નથી.

આ પણ વાંચો: Vav-Tharad: સગા ભત્રીજાએ દસ્તાવેજોનો દુરુપયોગ કરી 72.80 લાખના વ્યવહારો કર્યા, સુરત પોલીસની નોટિસથી ભાંડો ફૂટ્યો