calendar_todaySeptember 11, 2026
Suratમાં હાઈપ્રોફાઈલ ઠગાઈ! MP ના પુત્ર સાથે રૂ.76.44 લાખની દગાખોરી કરનાર મેવાવાલા દંપતી સામે ફરિયાદ દાખલ
સુરતમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે રૂ. 76.44 લાખનો મોટો વિશ્વાસઘાત અને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. પલસાણા વિસ્તારમાં આવેલી જમીનના દસ્તાવેજ બનાવવા માટે જરૂરી ઈ-સ્ટેમ્પ (E-Stamp) ખરીદવાના બહાને ગવર્નમેન્ટ સ્ટેમ્પ વેન્ડર મેવાવાલા દંપતીએ આ રકમ મેળવી લીધી હતી. જોકે, નાણાં મેળવી લીધા બાદ ઈ-સ્ટેમ્પ ન આપીને તેમની સાથે મોટો વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો.
રકમ અંગત વપરાશમાં વાપરી નાખી, ચેક પણ બાઉન્સ થયો
તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપી સ્ટેમ્પ વેન્ડર રામકૃષ્ણ મેવાવાલા અને તેમની પત્ની સલોની મેવાવાલાએ ઈ-સ્ટેમ્પ માટે મળેલી રૂ. 76.44 લાખની માતબર રકમ પોતાના અંગત વપરાશમાં વાપરી નાખી હતી. આ બાબતે બચાવ કરવા માટે અને રકમ પરત આપવાના નામે આરોપી દંપતીએ રૂ. 76.44 લાખનો ચેક આપ્યો હતો. પરંતુ જ્યારે આ ચેક બેંકમાં જમા કરાવવામાં આવ્યો ત્યારે તે પણ બાઉન્સ થયો હતો, જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની સ્પષ્ટતા થઈ હતી.
સુરત DCB પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ, તપાસ હાથ ધરાઈ
આ સમગ્ર મામલે પીડિત શ્રેયાંશ ધોળકિયા દ્વારા સુરત ડીસીબી (DCB) પોલીસ સ્ટેશન ખાતે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે શ્રેયાંશ ધોળકિયાની ફરિયાદના આધારે સરકારી સ્ટેમ્પ વેન્ડર રામકૃષ્ણ મેવાવાલા અને તેમની પત્ની સલોની મેવાવાલા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો : Surat ગ્રામ્ય LCB નો મોટો સપાટો, નેશનલ એક્સપ્રેસ-વે પરથી રૂ.49.12 લાખનો વિદેશી દારૂ ઝડપાયો