android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News: કામરેજમાં પોલીસનું મોટું ઓપરેશન, 20 ફાર્મ હાઉસ પર રેડ

calendar_todayMay 23, 2026

Surat News: કામરેજમાં પોલીસનું મોટું ઓપરેશન, 20 ફાર્મ હાઉસ પર રેડ

સુરત જિલ્લાના કામરેજ અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસમાં ચાલતી અનધિકૃત પ્રવૃત્તિઓ અને નિયમોના ઉલ્લંઘન સામે કામરેજ પોલીસે લાલ આંખ કરી છે. સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા એક સાથે 20 જેટલા ફાર્મ હાઉસ પર આકસ્મિક રેડ કરવામાં આવતા ફાર્મ હાઉસના માલિકો અને સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સરકારી જાહેરનામાનો સરેઆમ ભંગ કરીને ચાલતા આ તમામ ફાર્મ હાઉસ વિરૂદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાડા કરાર વગર ધમધમતા હતા ફાર્મ હાઉસ

ઘટનાની મળતી માહિતી અનુસાર, કામરેજ પોલીસને બાતમી મળી હતી કે, સુરતના આ પ્રખ્યાત વીકેન્ડ સ્પોટ ગણાતા વિસ્તારોમાં આવેલા અનેક ફાર્મ હાઉસો વહીવટી તંત્રના નિયમોને નેવે મૂકીને ચલાવવામાં આવી રહ્યા છે. સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે સરકાર દ્વારા ફાર્મ હાઉસ ભાડે આપતી વખતે યોગ્ય ભાડા કરાર અને સ્થાનિક પોલીસ મથકમાં તેની જાણ કરવી અનિવાર્ય છે. જોકે, આ 20 જેટલા ફાર્મ હાઉસમાં કોઈપણ પ્રકારના ભાડા કરાર કે જરૂરી દસ્તાવેજો વિના જ લોકોને એન્ટ્રી આપવામાં આવતી હતી, જે સીધો સરકારી જાહેરનામાનો ભંગ હતો.

એક સાથે 20 સ્થળોએ દરોડાથી મચ્યો હડકંપ

કામરેજ પોલીસ મથકની અલગ-અલગ ટીમો બનાવીને શનિવારે મોડી સાંજે આજુબાજુના તમામ શંકાસ્પદ ફાર્મ હાઉસ પર એક સાથે ત્રાટકવાનું આયોજન કરાયું હતું. પોલીસની આ અચાનક રેડના કારણે વીકેન્ડની મજા માણવા આવેલા લોકો અને સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચીને દસ્તાવેજો, રજિસ્ટર અને ભાડાના લખાણોની ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં મસમોટી ગેરરીતિઓ આચરાતી હોવાનું સામે આવ્યું હતું.

માલિકો અને સંચાલકો સામે ગુનો દાખલ

પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જાહેરનામાનો ભંગ કરી ગેરકાયદેસર રીતે ફાર્મ હાઉસ ધમધમાવતા તમામ 20 ફાર્મ હાઉસના માલિકો તેમજ તેના વહીવટકર્તા (સંચાલકો) વિરૂદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસની આ કડક કાર્યવાહી બાદ આગામી દિવસોમાં અન્ય ફાર્મ હાઉસના સંચાલકો પણ નિયમોનું પાલન કરે તે માટે કડક ચેતવણી આપવામાં આવી છે.


આ પણ વાંચો - Surat News: દેવાસ મર્ડર કેસનો મોસ્ટ વોન્ટેડ રાહુલ શૂટર પાંડેસરાથી ઝડપાયો