android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News : 2008માં મનપાએ બનાવેલા આવાસ જર્જરિત થયા, કામદારોના પરિવાર પર તોળાતુ જોખમ

calendar_todaySeptember 2, 2026

Surat News : 2008માં મનપાએ બનાવેલા આવાસ જર્જરિત થયા, કામદારોના પરિવાર પર તોળાતુ જોખમ

સુરત શહેરને દેશભરમાં સ્વચ્છતામાં અગ્રેસર રાખવા માટે દિવસ રાત મહેનત કરતા સફાઈ કર્મચારીઓ આજે પોતે જ ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા નિર્મળનગર ખાતે ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસનું સમગ્ર બિલ્ડિંગ અત્યંત જર્જરિત અને ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયું છે. જેના કારણે 200થી વધુ સફાઈ કામદાર પરિવારો જીવના જોખમે અહીં વસવાટ કરી રહ્યા છે.

લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે

વર્ષ 2008માં સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારો માટે આ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જોકે,આટલા ટૂંકા સમયગાળામાં જ આખી ઇમારત કંડમ હાલતમાં આવી ગઈ છે.હાલમાં આવાસ પરિસરમાં જ્યાં નજર કરો ત્યાં બિહામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.બિલ્ડિંગના વિવિધ ભાગોમાં સ્લેબમાંથી પોપડા ખરી રહ્યા છે અને છતના સિમેન્ટના પોપડા ઉખડી જતાં લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે.બિલ્ડિંગની મુખ્ય દીવાલોમાં મોટી-મોટી તિરાડો પડી ગઈ છે, જે ગમે તે ઘડીએ મોટો અકસ્માત કે હોનારત સર્જી શકે છે.

રહીશોની રજૂઆત અને માગણી

જો આ જર્જરિત ઘરોને તાત્કાલિક ખાલી કરાવવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના ઘટે અને નિર્મળનગરના સફાઈ કર્મી કે તેમના પરિવારજનોનો ભોગ લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્મળનગર આવાસના રહીશોએ એકત્ર થઈને સુરત મનપા કમિશનર અને મેયરને લેખિતમાં અરજી પાઠવી છે.આ જર્જરિત આવાસનું તાત્કાલિક ધોરણે રી-ડેવલપમેન્ટ હાથ ધરવામાં આવે.કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી રહેવા માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે.શહેરને સ્વચ્છ રાખનારા સફાઈ કામદારો પ્રશાસન સામે આજીજી કરી રહ્યા છે કે કોઈ અપ્રિય ઘટના બને તે પહેલાં તંત્ર જાગે અને તેઓને સુરક્ષિત આશ્રય આપે.

આ પણ વાંચોઃ Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે?