android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News : સુરતીઓેને પડી જશે જલસા, સુવાલી દરિયાકિનારે ત્રિ-દિવસીય ‘સુવાલી બીચ ફેસ્ટિવલ-2026’ યોજાશે

calendar_todayJanuary 3, 2026

Surat News : સુરતીઓેને પડી જશે જલસા, સુવાલી દરિયાકિનારે ત્રિ-દિવસીય ‘સુવાલી બીચ ફેસ્ટિવલ-2026’ યોજાશે

રાજ્યના દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચોના વિકાસ માટે રાજ્ય સરકાર સક્રિયપણે પ્રયાસ કરી રહી છે, જેના ભાગરૂપે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા.૯ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે ત્રિ-દિવસીય સુંવાલી બીચ ફેસ્ટિવલ-૨૦૨૬ યોજાશે.

રાજ્ય સરકાર તથા જિલ્લા-તાલુકા વહીવટીતંત્રએ બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે

બીચ ફેસ્ટિવલને તા.૯મીએ સાંજે ૫.૦૦ વાગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે. બેઠકમાં ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સુંવાલી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરી દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે, સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થાય તથા પ્રવાસી-સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયાકિનારાની મોજ માણે, વેચાણ સ્ટોલધારકોને તથા સ્થાનિકોને રોજી રોટી મળી રહે તે માટે રાજ્ય સરકાર તથા જિલ્લા-તાલુકા વહીવટીતંત્રએ બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.

પ્રવાસીઓ ખાણીપીણીનીનો આનંદ માણી શકશે

સુવાલી જવા-આવવા સહેલાણીઓ માટે ત્રણેય દિવસે સિટી બસ અને એસ.ટી. બસની વ્યવસ્થા કરાશે. જિલ્લા કલેક્ટરે તૈયારીઓની સમીક્ષા કરી સંબધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. તેમણે ક્રાર્યક્રમ સ્થળે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડ, તરવૈયા, એમ્બ્યુલન્સ અને આરોગ્યની ટીમોને સ્ટેન્ડ બાય રાખવી, પોલીસ દ્વારા સુવાલી બીચ જવાના તમામ રસ્તાઓ પર ટ્રાફિક નિયમન, પાર્કિંગ એરિયા જેવી આવશ્યક તૈયારીઓ પર ભાર મૂક્યો હતો. નોંધનીય છે કે, ઊંટ અને ઘોડેસવારી, ફુડ કોર્ટ, ક્રાફટ સ્ટોલ, ફોટો કોર્નર, દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણો સાથે પ્રવાસીઓ દરિયાઈ ખુશનુમા માહોલમાં હરવા-ફરવાની સાથે ખાણીપીણીનીનો આનંદ માણી શકશે.

ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકારો રમઝટ બોલાવશે

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નાયબ પો.કમિશનર (ઝોન ૭) શેફાલી બરવાલ, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, ડે. કલેક્ટર (પ્રોટોકોલ) એ.પી. ગોહિલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રખ્યાત ગાયક કલાકારો શ્રોતાઓને ગીતસંગીતથી ડોલાવશે, જેમાં તા.૯મીએ સાંજે ૬.૩૦ વાગ્યે ઓસમાણ મીર અને આમીર મીર, ૧૦મીએ સાંજે ૭.૦૦ વાગ્યે ભૂમિ ત્રિવેદી અને ૧૧મીએ સાંજે ૭.૦૦ વાગ્યે સાંત્વની ત્રિવેદી સૂરોની રમઝટ બોલાવશે

બીચ ફેસ્ટીવલમાં પરિવાર સાથે ઉજાણી અને દરિયાકિનારાનો આહ્લાદક આનંદ

બીચ ફેસ્ટીવલમાં સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર્સ સ્પોર્ટ્સ રહેશે, તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓ, વન વિભાગ તથા સખીમંડળોના સ્ટોલ્સ અને બાળકોના મનોરંજન માટે વિશેષ આયોજન છે. સુરતની સ્વાદપ્રિય જનતા માટે ફુડકોર્ટની વ્યવસ્થામાં નાગલીની વાનગી-ડાંગી ડિશ-ઉંબાડિયુ જેવી પરંપરાગત, અવનવી વાનગીઓના ૧૨૫ જેટલા ફુડ સ્ટોલ અને શોપીંગ માટે ક્રાફ્ટ સ્ટોલ ઉભા કરાશે. પરિવાર-મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા ફોટો કોર્નર એટલે કે સેલ્ફી પોઈન્ટ તથા બાળકો માટે મનોરંજન ઝોન હશે. સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત, લોકડાયરાની રમઝટ અને દરિયાકિનારાનો આહ્લાદક માહોલ માણવાની તક મળશે.


આ પણ વાંચો : Ahmedabad News : મહેસાણામાં હોમગાર્ડ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડીંગ ઓફિસર રૂ.2000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો