calendar_todayApril 16, 2026
Surat News: ભાજપમાં બળવો કરનારાઓ સામે શિસ્તના કોરડા, 4 હોદ્દેદારો 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ
સુરત જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે ભાજપ સંગઠને મોટી કાર્યવાહી કરી છે. કડોદરા અને ચલથાણ વિસ્તારમાં પક્ષ સામે બાયો ચઢાવનાર અને શિસ્તભંગ કરનાર કાર્યકરો સામે સુરત જિલ્લા ભાજપ પ્રમુખે લાલ આંખ કરી છે. ગત શુક્રવારે જ્યારે પક્ષ દ્વારા સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી, ત્યારે ટિકિટ ન મળતા નારાજ થયેલા ભોળા ભરવાડ સહિતના આગેવાનોએ પક્ષના નિર્ણય સામે મોરચો માંડ્યો હતો.
જિલ્લા ભાજપ પ્રમુખની કડક કાર્યવાહી
પક્ષની શિસ્તને નેવે મૂકીને ટિકિટ ન મળતા આ હોદ્દેદારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. શુક્રવારે રાત્રે નગર ભાજપ સંગઠન કાર્યાલય પર હોબાળો કરી પક્ષ સામે બળવો કરનાર આ સભ્યો સામે આજે અંતે ગાજ પડી છે. સુરત જિલ્લા ભાજપ પ્રમુખે શિસ્તભંગના કડક પગલાં લેતા ભોળા ભરવાડ સહિત 4 સભ્યોને પક્ષના પ્રાથમિક અને સક્રિય સભ્યપદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ તમામ સભ્યોને આગામી 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવાનો સત્તાવાર આદેશ જારી કરી દેવામાં આવ્યો છે.
અન્ય અસંતુષ્ટોને પણ કડક સંદેશ
ભાજપના આ કડક વલણને કારણે અન્ય નારાજ કાર્યકરો અને હોદ્દેદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પક્ષે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે ચૂંટણી સમયે પક્ષના હિત વિરુદ્ધ કામ કરનાર કે બળવો કરનાર કોઈ પણ વ્યક્તિને સાંખી લેવામાં આવશે નહીં. સસ્પેન્શનનો આ ઓર્ડર છૂટતા જ કડોદરા અને ચલથાણના રાજકારણમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હવે આ બળવાખોર ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડશે કે કેમ અને તેની ભાજપની વોટબેંક પર શું અસર પડશે, તે જોવું રહ્યું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો