android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News: નકલી ડોક્ટર બનીને મહિલાઓને શિકાર બનાવતી કુખ્યાત ગેંગનો પર્દાફાશ, 5 આરોપીઓની ધરપકડ

calendar_todayOctober 29, 2026

Surat News: નકલી ડોક્ટર બનીને મહિલાઓને શિકાર બનાવતી કુખ્યાત ગેંગનો પર્દાફાશ, 5 આરોપીઓની ધરપકડ

સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે વજન ઘટાડવા અને સ્કિનની દવાના નામે છેતરપિંડી આચરતી કુખ્યાત ગેંગના મુખ્ય માસ્ટરમાઇન્ડ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ વોટ્સએપ પર ડૉક્ટરની ખોટી ઓળખ આપીને ખાસ કરીને મહિલાઓને પોતાનો શિકાર બનાવતા હતા અને લાખો રૂપિયા પડાવતા હતા. આ ઠગ ટોળકીએ 'ક્યોરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ' અને 'વેદિક વર્લ્ડ' જેવી બોગસ કંપનીઓ ઊભી કરીને અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું મસમોટું કૌભાંડ આચર્યું છે. અગાઉ આ જ ગેંગે એક જ મહિલા સાથે રૂપિયા 1.77 કરોડથી વધુની ઠગાઈ આચરી હોવાનું પણ બહાર આવ્યું છે.

ગુરુગ્રામ અને દિલ્હીમાં ચાલતા હતા કોલ સેન્ટર

આરોપીઓ દ્વારા ગુરુગ્રામ અને દિલ્હી ખાતે મોટા પાયે કોલ સેન્ટર ચલાવવામાં આવતા હતા. આ નકલી કોલ સેન્ટર્સમાં આશરે 160 જેટલા કર્મચારીઓ સક્રિય રહીને લોકોને લોભામણી જાહેરાતો દ્વારા ફસાવતા હતા. પોલીસે આ પ્રકરણમાં સઘન તપાસ હાથ ધરીને અમિત ગૌરવ, પંકજ શર્મા, રૂપેશકુમાર બત્રા, પુનીતકુમાર અને દીપકકુમાર ગુપ્તા નામના મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓના વિવિધ બેંક ખાતા અને પેમેન્ટ ગેટવેની તપાસ કરતા તેમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે, જે આ આંતરરાજ્ય કૌભાંડની ગંભીરતા દર્શાવે છે.

પોલીસ દ્વારા નાગરિકો માટે વિશેષ અનુરોધ

આ સમગ્ર ઘટના બાદ સુરત પોલીસ દ્વારા સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાતો અને ઓનલાઈન વજન ઘટાડવાની પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા તેની પૂરતી ખરાઈ કરવા માટે નાગરિકોને ભારપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો છે. સાયબર ઠગાઈથી બચવા માટે સતર્કતા ખૂબ જ આવશ્યક છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે જેથી આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરિતોને પણ ઝડપી શકાય અને લોકોની મહેનતના નાણાં પરત મેળવવાની દિશામાં કાર્યવાહી થઈ શકે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો