android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News : હોળીના તહેવાર નિમિતે પશ્ચિમ રેલવેને અત્યાર સુધી 5.73 કરોડની આવક, સુરતથી સૌથી વધારે મુસાફરો યુપી તરફ ગયા

calendar_todayMarch 5, 2026

Surat News : હોળીના તહેવાર નિમિતે પશ્ચિમ રેલવેને અત્યાર સુધી 5.73 કરોડની આવક, સુરતથી સૌથી વધારે મુસાફરો યુપી તરફ ગયા

હોળી પહેલાના રવિવારે અનરિઝર્વ ટ્રેનોમાં ભીડ થશે તેવી ધારણા હોવાથી રેલવેએ સ્પેશિયલ અનરિઝર્વ ટ્રેનો દોડાવવાની તૈયારી કરી દીધી હતી. દરમિયાન હોળી પહેલાં ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડ તરફની ટ્રેનોમાં કુલ ૧.૯૦ લાખ મુસાફરો માદરે વતન ગયા છે. તેમજ આ થકી રેલવેને કુલ ૫.૭૩ કરોડની આવક થવા પામી છે.

જનરલ કોચમાં મુસાફરો ઘેટાં-બકરાની જેમ ભરાઈને જવા મજબૂર બન્યા હતા

આ વખતે હોળીના તહેવાર પહેલા ફેબ્રુઆરી મહિનાના દરેક રવિવારે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ૧૫ અને ૨૨ ફેબ્રુઆરીના રોજ સ્થિતિ એવી હતી કે પ્લેટફોર્મ પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી. ખાસ કરીને ૧૫ ફેબ્રુઆરીએ જ્યારે હસનપુર સ્પેશિયલ (૦૯૦૩૧) દોડાવવામાં આવી ત્યારે રેકોર્ડબ્રેક ભીડ નોંધાઈ હતી. ૨૨ ફેબ્રુઆરીએ પણ જયનગર અને રક્સૌલ માટે વધારાની સ્પેશિયલ ટ્રેનો મૂકવા છતાં જનરલ કોચમાં મુસાફરો ઘેટાં-બકરાની જેમ ભરાઈને જવા મજબૂર બન્યા હતા.

મુસાફરોનો જમવાડો થતા રેલવેએ કરી હતી સુવિધા

ત્યારબાદ બીજી માર્ચને હોળીના તહેવાર પહેલા પહેલી માર્ચના રોજ રેલવે દ્વારા ઉત્તરપ્રદેશ અને બિહાર તરફ રૂટિનની મળી કુલ ૮ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી હતી. તેમાં પણ શનિવારે મોડી સાંજ જ મુસાફરોનો જમાવડો થતાં રેલવેએ વહેલી સવારે ૩.૩૦ વાગ્યાની આસપાસ એક અનરિઝર્વ ટ્રેન દોડાવી દીધી હતી. જેને કારણે મુસાફરોની સાથે તંત્રને મોટી રાહત થઈ હતી. ભીડને કારણે મુંબઈ ડિવિઝનના ડીઆરએમ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઉધના સ્ટેશને આવી પહોંચ્યો હતો.

મુસાફરોને પાણીની બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું

તેઓ પણ રવિવારે સાંજ સુધી ઉધના સ્ટેશને રોકાઈને તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતું. તેમજ જરૂર જણાય તે રીતે ટ્રેનો દોડાવવા મંજૂરી આપી હતી. એટલું જ નહીં મુસાફરોને મુશ્કેલી નહીં પડે તેની તમામ તકેદારી રાખવામાં આવી હતી. મુસાફરોની ભીડને જોતા ઉધના સ્ટેશન પર આરપીએફ (RPF) અને જીઆરપી (GRP) દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. પ્લેટફોર્મ નંબર ૧ થી ૫ સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને. સ્ટેશન પર પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ વધારવા માટે પણ સ્થાનિક તંત્રને સૂચના અપાઈ છે. દરમિયાન ગરમીને ધ્યાને લઈ રેલવેતંત્ર અને વિવિધ સંસ્થાઓ દ્વારા મુસાફરોને પાણીની બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચો : Surat News : સુરતમાં થાઇલેન્ડ ટૂરના નામે મહિલા સાથે રૂ.1.66 લાખની ઓનલાઇન ઠગાઈ