calendar_todayMay 2, 2026
Surat News: અલથાણમાં બેફામ ડમ્પર ચાલકે L&Tના અધિકારીને કચડ્યા, અકસ્માત સર્જી ભાગી છૂટેલા ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ
સુરત શહેરમાં ભારે વાહનોનો આતંક યથાવત હોય તેમ વધુ એક નિર્દોષ વ્યક્તિ ડમ્પરની અડફેટે ચડી છે. સુરત શહેરના અલથાણ વિસ્તારમાં પૂરઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે મોટરસાઇકલ સવાર L&T કંપનીના અધિકારીને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
ડ્યુટી પર જતા સમયે સર્જાયો અકસ્માત
ઘટનાની મળતી માહિતી અનુસાર, એલ એન્ડ ટી (L&T) કંપનીમાં ફરજ બજાવતા અધિકારી જયેશભાઈ બોરસે પોતાના નિવાસસ્થાન ગોડાદરાથી કંપનીમાં નોકરી પર જઈ રહ્યા હતા. આ દરમિયાન અલથાણ શ્યામ મંદિર પાસે પૂરઝડપે અને બેફામ રીતે આવી રહેલા ડમ્પર ચાલકે જયેશભાઈની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે જયેશભાઈનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
પોલીસે ડ્રાઈવરને દબોચી લીધો
અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા ડમ્પર ચાલકને પકડવા માટે અલથાણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં ડમ્પર ચાલક રામ નરેશ યાદવની ધરપકડ કરી લીધી છે. પોલીસે ડમ્પર કબજે કરી આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરેલા ડમ્પરોની સ્પીડ પર લગામ ક્યારે આવશે, તેવો સવાલ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે.
આ પણ વાંચો - Surat News: બમ્પ આવતા કાકાના હાથમાંથી 3 વર્ષનું બાળક ટ્રેક્ટર પરથી નીચે પટકાયું, ટાયર ફરી વળતા માસૂમનું મોત