calendar_todayMay 8, 2026
Surat News: SOGની મોટી કાર્યવાહી, મધ્યપ્રદેશના ચકચારી ‘રાયોટિંગ વિથ મર્ડર’ના 3 ફરાર આરોપીઓ અડાજણમાંથી ઝડપાયા
સુરત શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને એક મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં બનેલા ચકચારી 'રાયોટિંગ વિથ મર્ડર'ના ગુનામાં છેલ્લા ઘણા સમયથી ફરાર ત્રણ આરોપીઓને સુરતના અડાજણ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે.
ચાંદલો લગાવવાના વિવાદમાં ખેલાયો હતો લોહિયાળ ખેલ
આ ઘટનાની પૃષ્ઠભૂમિ મધ્યપ્રદેશના રીવા જિલ્લાની છે, જ્યાં એક મેળામાં ચાંદલો લગાવવા જેવી નજીવી બાબતે કોમ્યુનલ (કોમી) ઝઘડો થયો હતો. આ વિવાદની અદાવત રાખીને આરોપીઓએ રાત્રિના સમયે જાહેર રોડ પર અતિક અહેમદ શેખ નામના યુવક પર ઘાતક હુમલો કર્યો હતો. હુમલાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. ગંભીર રીતે ઘાયલ અતિકનું હોસ્પિટલમાં 27 દિવસની સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું.
સુરત મેટ્રોમાં ગાર્ડ બનીને છુપાયા હતા આરોપીઓ
હત્યાની ઘટના બાદ ધરપકડથી બચવા માટે આરોપીઓ મધ્યપ્રદેશથી ભાગીને સુરત આવી ગયા હતા. આરોપીઓએ પોતાની ઓળખ છુપાવીને અડાજણ વિસ્તારમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી મેળવી લીધી હતી. તેમને લાગ્યું હતું કે, તેઓ પોલીસની નજરથી બચી જશે, પરંતુ સુરત SOG પોલીસને ચોક્કસ બાતમી મળતા અડાજણ વિસ્તારમાં ઓપરેશન હાથ ધરી ત્રણેયને દબોચી લીધા હતા.
સુરત પોલીસે આરોપીઓની અટકાયત કરી મધ્યપ્રદેશ પોલીસને આ અંગે જાણ કરી છે. હાલમાં આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને MP પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો - સુરત SBI 50 લાખ લૂંટ કેસના આરોપીને પોલીસે મારી ગોળી