android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: કતારગામ પરથી ઊડતા વિમાનમાંથી ગંદકી ફેંકાતી હોવાની PGO પોર્ટલ પર વિચિત્ર ફરિયાદ

calendar_todayOctober 27, 2026

Surat: કતારગામ પરથી ઊડતા વિમાનમાંથી ગંદકી ફેંકાતી હોવાની PGO પોર્ટલ પર વિચિત્ર ફરિયાદ

સુરતમાં સરકારી ઓનલાઇન ફરિયાદ પોર્ટલ પર એક અત્યંત અજીબોગરીબ અને હાસ્યાસ્પદ કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને એરપોર્ટ ઓથોરિટી અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. સુરતના કતારગામ વિસ્તારના એક જાગૃત નાગરિકે સત્તાવાર ‘પબ્લિક ગ્રીવન્સ ઓનલાઇન’ (PGO) પોર્ટલ પર એવી ગંભીર ફરિયાદ નોંધાવી હતી કે આકાશમાં કતારગામ પરથી પસાર થતી ફ્લાઇટ્સમાંથી નીચે કચરો ફેંકવામાં આવે છે! આ ફરિયાદ વાંચીને પહેલા તો અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા, પરંતુ બાદમાં તંત્ર દ્વારા અરજદારને આપવામાં આવેલો રોકડિયો જવાબ હાલ સમગ્ર શહેરમાં ભારે ચર્ચા અને રમૂજનો વિષય બન્યો છે.

શું હતી નાગરિકની વિચિત્ર ફરિયાદ?

કતારગામ વિસ્તારના રહીશે PGO પોર્ટલ પર ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે તેમના ઘર અને વિસ્તાર પરથી જ્યારે પેસેન્જર વિમાનો પસાર થાય છે, ત્યારે વિમાનમાંથી કચરો નીચે જમીન પર પડે છે.આ કચરાના કારણે સ્થાનિક વિસ્તારમાં ગંદકી ફેલાતી હોવાનો આરોપ મૂકીને નાગરિકે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની અને વિમાન કંપનીઓ સામે પગલાં ભરવાની માંગ કરી હતી.જાહેર ફરિયાદ નિવારણ પોર્ટલ પર આ પ્રકારની અરજી સીધી સુરત એરપોર્ટ ઓથોરિટી સમક્ષ પહોંચતાં સમગ્ર કચેરીમાં સોપો પડી ગયો હતો.

તંત્રનો સણસણતો જવાબ: ‘આ વિમાન છે, ખટારો નહીં!’

વિમાન સંચાલનના નિયમો સમજાવતો તંત્રનો ખુલાસો. સામાન્ય રીતે સરકારી પોર્ટલ પર રોડ, ગટર, પાણી કે લાઈટની ફરિયાદો આવતી હોય છે, પરંતુ આ આકાશી ફરિયાદ સામે એરપોર્ટ તંત્રએ ખૂબ જ સ્પષ્ટ અને સણસણતો પ્રત્યુત્તર આપ્યો હતો.તંત્રએ અરજદારને સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, "આ વિમાન છે, કોઈ કચરાનો ખટારો (ડમ્પર) નથી કે ચાલુ મુસાફરીએ બારી કે દરવાજો ખોલીને નીચે કચરો ફેંકી શકાય!"ઉડ્ડયન ક્ષેત્રના પ્રોટોકોલ મુજબ, કોઈપણ પેસેન્જર કે કોમર્શિયલ ફ્લાઇટ હજારો ફૂટની ઊંચાઈએ હવામાં હોય ત્યારે તેની બારીઓ કે દરવાજા સંપૂર્ણપણે ‘પ્રેશરાઇઝ્ડ’ અને એર-ટાઇટ પેક હોય છે. તેને હવામાં ખોલવા અસંભવ છે.વિમાનની અંદરનો તમામ કચરો અને માનવ કચરો (વેસ્ટ) સ્પેશિયલ સીલબંધ વેક્યુમ ટેન્કમાં સંગ્રહિત થાય છે, જે ફ્લાઇટ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વિશેષ સક્શન મશીનોથી ખાલી કરવામાં આવે છે. તેથી હવામાંથી કચરો ફેંકવાનો સવાલ જ પેદા થતો નથી.

સોશિયલ મીડિયા પર ચર્ચા અને વાયરલ મીમ્સ

આ વિચિત્ર ઘટના સામે આવ્યા બાદ એરપોર્ટ વર્તુળો અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક ઊડી રહી છે. લોકો તંત્રના હાજરજવાબી વલણની પ્રશંસા કરી રહ્યા છે, તો બીજી તરફ કોઈ નાગરિક આટલી સામાન્ય વિજ્ઞાનની બાબત સમજ્યા વિના પોર્ટલ પર ફરિયાદ કેવી રીતે કરી શકે તે મુદ્દો પણ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
આ પણ વાંચો: Gandhinagar: બરડા અભયારણ્યના માલધારીઓના સ્વૈચ્છિક સ્થળાંતર માટે પરિવારદીઠ 15 લાખની સહાય સરકાર આપશે