calendar_todayApril 27, 2026
Surendranagar: ઝાલાવાડમાં ગરમીનો પારો 1.5 ડીગ્રી ઘટયો, હીટવેવ યથાવત
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 15-20 દિવસથી આકરી ગરમી પડી રહી છે. સુર્યનારાયણ ખાસ કરીને બપોરના સમયે આકરો તાપ વરસાવી રહ્યા છે. ત્યારે રવીવારના 44.3 ડીગ્રી તાપમાન સામે સોમવારે તાપમાનનો મહત્તમ પારો 1.5 ડીગ્રી નીચે આવ્યો છે. પરંતુ વાતાવરણમાં હીટવેવ જારી રહેતા ઝાલાવાડવાસીઓ તોબા પોકારી ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી હીટવેવનું વાતાવરણ છે. સતત વધતી ગરમીના લીધે જિલ્લાનો રાજયના ટોપટેન શહેરોમાં સમાવેશ થાય છે. ત્યારે સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓમાં મતદાનને દિવસે રાજયમાં હાઈએસ્ટ તાપમાન સુરેન્દ્રનગર જિલ્લામાં 44.3 ડીગ્રી નોંધાયુ હતુ. જયારે સોમવારે તાપમાનના પારામાં નજીવો ઘટાડો નોંધાયો છે. રવીવારના 44.3 ડીગ્રી સામે તાપમાનનો મહત્તમ પારો 1.5 ડીગ્રી ઘટીને 42.8 ડીગ્રી થયો હતો. બીજી તરફ લઘુત્તમ તાપમાન પણ સોમવારે 27.4 ડીગ્રી નોંધાયુ હતુ. જે સામાન્ય કરતા 1 થી 2 ડીગ્રી વધુ છે. લઘુત્તમ તાપમાન વધતા વહેલી સવારથી અને મોડી રાત સુધી લોકોને બાફનો અનુભવ થાય છે. રાત્રે તડકો ન હોવા છતાં વાતાવરણમાં બાફ રહેતા લોકો પરસેવે રેબઝેબ થઈ જાય છે. બીજી તરફ આજે તા. 28ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાનો યલોઝોનમાં સમાવેશ કરીને યલો એલર્ટ જાહેર કરાઈ છે. ત્યારે તાપમાનનો મહત્તમ પારો આગામી દિવસોમાં 45 ડીગ્રી ઉપર જવાની પણ શકયતા વર્તાઈ રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો