calendar_todayMay 2, 2026
Surendranagarના ધ્રાંગધ્રામાં વ્યાજખોરો પર પોલીસનો હથોડો: 10 શખ્સો સામે ગુનો દાખલ, 7 આરોપીઓની ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં લાંબા સમયથી પઠાણી ઉઘરાણી કરી નાના વેપારીઓને પાયમાલ કરનારા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લા પોલીસ વડાના કડક આદેશ બાદ ધ્રાંગધ્રા સીટી પોલીસે સપાટો બોલાવી કુલ 10 વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાંથી પોલીસે ૭ આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય 3 ફરાર શખ્સોની શોધખોળ તેજ કરી છે.
છૂટક વેપારીઓ અને લારીધારકો બન્યા શિકાર
આ વ્યાજચક્રમાં ખાસ કરીને શ્રમજીવીઓ, છૂટક વેપારીઓ અને લારી ચલાવી ગુજરાન ચલાવતા નિર્દોષ લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. વ્યાજખોરો દ્વારા 10 ટકા, 20 ટકા અને અમુક કિસ્સામાં તો 50 ટકા જેટલા તોતિંગ વ્યાજ વસૂલવામાં આવતું હતું. મૂળ રકમ ચૂકવી દીધા હોવા છતાં આ શખ્સો પઠાણી ઉઘરાણી કરી વેપારીઓને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપતા હતા. આખરે ભોગ બનનારાઓએ હિંમત દાખવી પોલીસના દ્વાર ખખડાવતા વ્યાજખોરોનો પર્દાફાશ થયો છે.
પોલીસની મેગા ડ્રાઈવ અને એક્શન મોડ
જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલી આ મેગા ડ્રાઈવથી ધ્રાંગધ્રાના વ્યાજખોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલા 7 આરોપીઓ પાસેથી વ્યાજખોરીના વ્યવહારોના દસ્તાવેજો અને ડાયરીઓ જપ્ત કરવામાં આવી શકે છે. સીટી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હજુ પણ જો કોઈ વ્યાજખોરો દ્વારા હેરાન કરવામાં આવતા હોય તો લોકોએ નીડર બનીને ફરિયાદ કરવી જોઈએ. બાકીના 3 આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો