calendar_todayJanuary 2, 2026
Surendranagar: મંદિરમાં સોનું દાન કરવાના બહાને સોની વેપારી સાથે 13.47 લાખની છેતરપિંડી
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર રીઢા ઠગને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. મંદિરમાં સોનાની લગડી દાનમાં આપવાના પવિત્ર બહાને વેપારીને વિશ્વાસમાં લઈ, બોગસ ચેક પધરાવી ફરાર થઈ જનાર શૈલેષ ઉધાડને પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોની વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી
આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે, ગત 27 ડિસેમ્બરના રોજ ધ્રાંગધ્રાના એક સોની વેપારી પાસે આરોપી શૈલેષભાઈ છગનભાઈ ઉધાડ (રહે. જેતપુર) આવ્યો હતો. આરોપીએ પોતાની ખોટી ઓળખ આપી વેપારીને જણાવ્યું હતું કે, તેણે મંદિરમાં સોનાની લગડી દાનમાં આપવી છે. આ હેતુ માટે તેણે 100 ગ્રામ સોનાની માંગણી કરી હતી.
છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી
વેપારીને ભક્તિ અને દાનના નામે વિશ્વાસમાં લીધા બાદ, આરોપીએ સોનાની લગડીના બદલામાં રૂ. ૧૩.૪૭ લાખનો ચેક આપ્યો હતો. વેપારીને જરા પણ શંકા ન જાય તે રીતે વાતચીત કરી તે સોનું લઈને રફુચક્કર થઈ ગયો હતો. બાદમાં જ્યારે વેપારીએ ચેક બેંકમાં જમા કરાવ્યો ત્યારે તે બોગસ હોવાનું બહાર આવ્યું હતું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા વેપારીએ તુરંત ધ્રાંગધ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસ તપાસ અને ધરપકડ
ધ્રાંગધ્રા પોલીસે આ મામલે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી શૈલેષ ઉધાડ અન્ય ગુનામાં અટકાયત હેઠળ હતો, જેથી ધ્રાંગધ્રા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તેનો કબજો મેળવી વિધિવત ધરપકડ કરી છે.