calendar_todaySeptember 8, 2026
Surendranagarના તરણેતરમાં 14થી 17 સપ્ટેમ્બરે યોજાશે લોકમેળો, તૈયાર કરાવામાં આવી 52 ગજની ધજા
સુરેન્દ્રનગરના તરણેતરમાં આગામી 14થી 17 સપ્ટેમ્બર સુધી વિશ્વવિખ્યાત લોકમેળાનું આયોજન થવા જઈ રહ્યું છે, જેને લઈને તંત્ર અને શ્રદ્ધાળુઓમાં તૈયારીઓ તેજ બની છે. આ મેળા દરમિયાન તરણેતરના પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવના શિખરે સંકલ્પથી શ્રદ્ધા સુધીની યાત્રા રૂપે 36મી વાર સોલંકી પરિવાર દ્વારા બાવન ગજની ધજા લહેરાવવામાં આવશે. ત્રણ દાયકાથી વધુ સમયની આ અવિરત શ્રદ્ધાની શરૂઆત 1971માં પિતાએ લીધેલા સંકલ્પથી થઈ હતી, જે પરંપરાને 1990થી લઈને આજે 36 વર્ષથી નવી પેઢી નિઃશુલ્ક ધજા સેવા આપીને આગળ ધપાવી રહી છે.
15 દિવસની જહેમતથી તૈયાર કરાયેલી કલાત્મક અનોખી ધજા
આ વખતે લહેરાવવામાં આવનાર ધજા વિશેષ કારીગરી અને ધાર્મિક મહત્વ ધરાવે છે. 15 દિવસની સતત જહેમત અને ઝીણવટભરી કારીગરી બાદ કેસરી કાપડ પર ‘ૐ’, બીલીપત્રના પાન તેમજ આકર્ષક કાંગરાવાળી બોર્ડરથી સજ્જ આ અનોખી ડિઝાઇન વાળી ધજા તૈયાર કરવામાં આવી છે. આ કલાત્મક ધજાનું કુલ વજન 7.5 કિલોગ્રામ છે, જે તેની ભવ્યતા અને વિશેષ કારીગરીનો પુરાવો આપે છે.
બ્રહ્માંડના તત્ત્વોનું પ્રતીક: 'બાવન ગજ'નું ખાસ ધાર્મિક ગણિત
મંદિરના શિખર પર લહેરાવવામાં આવતી 'બાવન ગજ'ની ધજા પાછળ એક ખાસ ધાર્મિક અને વૈદિક ગણિત છુપાયેલું છે. આ બાવન ગજનું માપ બ્રહ્માંડના વિવિધ તત્વોનું પ્રતીક માનવામાં આવે છે. જેમાં 27 નક્ષત્રો, 12 રાશિઓ, 10 દિશાઓ અને 3 ગ્રહો (અથવા બ્રહ્માંડના તત્વો)નો સરવાળો થઈને '૫૨' (બાવન)નું ગણિત બને છે, જે સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર અને પૂર્ણતાનં પ્રતીક ગણાય છે.