calendar_todayJanuary 21, 2026
Surendranagar: ઝાલાવાડના 150 CHCના ID બ્લોક કરાયા
ઝાલાવાડમાં સરકારી અને અર્ધ સરકારી સેવાઓ નાગરીકોને નજીકમાં જ મળી રહે તે માટે સરકારે કોમન સર્વીસ સેન્ટરને મંજુરી આપી છે. ઝાલાવાડમાં આવા 1200થી વધુ સેન્ટરો કાર્યરત છે. પરંતુ ભાવપત્રક સહિતના નિયમોનો ઉલાળીયો કરતા આવા 150 સેન્ટર સામે લાલ આંખ કરી તેના આઈ બ્લોક કરી દેવાયા છે.
કેન્દ્ર સરકારના નેશનલ ઈ-ગર્વનન્સ પ્લાન હેઠળ વર્ષ 2006માં કોમન સર્વીસ સેન્ટર (સીએસસી)ને માન્યતા અપાઈ છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં 1200થી વધુ સીએસસી સેન્ટરો ધમધમી રહ્યા છે. જેમાં નાગરીકોને આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ, પીએમ જન આરોગ્ય યોજના, પીએમ કીસાન યોજના, ઈ-શ્રામ યોજના, વિશ્વકર્મા યોજના ઉપરાંત લોન લેવા, લાઈટ બીલ ભરવા, વીમાને લગતા કામો સહિત સરકારી અને અર્ધ સરકારી કામો સરળતાથી કરાવી શકાય છે. ડીજીટલ ઈન્ડીયાના સુત્રને સાર્થક કરતા આવા 1200થી વધુ સર્વીસ સેન્ટરો ઝાલાવાડમાં હાલ ધમધમે છે. શરૂઆતમાં આ સેન્ટર લેવા માટે અરજી કરવાથી સરળતાથી આઈડી અપાઈ જતા હતા. જેમાં કોઈ એક વ્યકિતના નામ પર મળેલ આઈડી બીજો ચલાવતો હોવાનું સામે આવ્યુ હતુ. આથી તેમાં પોલીસ વેરીફીકેશન ફરજિયાત કરાયુ છે. જેમાં અરજદાર પર કોઈ ગુના નથી તેનું પોલીસ દ્વારા પ્રમાણપત્ર મેળવવાનું રહે છે. આ ઉપરાંત સેન્ટર ખાતે ભાવપત્રક લગાવવુ, સેન્ટરની અંદર અને બહાર બ્રાન્ડીંગ કરવુ સહિતના નિયમોનું પાલન કરવાનું હોય છે. ત્યારે ઝાલાવાડમાં નિયમોનો ઉલાળીયો કરતા 150 સેન્ટરોના આઈડી બ્લોક કરાયા હોવાનું જિલ્લા સીએસસી મેનેજર વિપુલભાઈ દેસાણીએ જણાવ્યુ છે. જયારે નીયત ભાવ કરતા વધુ ભાવ લેનાર સામે પણ કડક કાર્યવાહીના તેઓએ એંધાણ આપ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો