calendar_todayJanuary 23, 2026
Surendranagar: થાનગઢમાં રૂ.210 કરોડની સરકારી જમીન પરના દબાણો તોડી પડાયા
થાનગઢમાં ચોટીલા ડેપ્યુટી કલેકટર પોલીસ બંદોબસ્ત વગર મામલતદાર સહિતના સ્ટાફની ટીમો લઇને તરણેતર રોડ ઉપર સર્વે નં 79, 81 અને 89માં મોડી રાત્રે 1 વાગે સરકારી જમીનો ઉપર કરાયેલા ગેરકાયદે દબાણો ઉપર તવાઇ બોલાવતા સવાર સુધીમાં તો વેરવિખેર કરી સફાયો કરી નાખી 210 કરોડની કિમતની સરકારી જમીન ખુલ્લી કરાતા આવા દબાણકર્તાઓમાં ફફળાટ વ્યાપી ગયેલ છે. ડેપ્યુટી કલેકટર એચ. ટી.મકવાણાએ તાજેતરમાં ચોટીલા ચામુંડા માતાજી મંદિરના ડુંગર તળેટી વિસ્તારના માર્ગો પર ખડકાયેલા ગેરકાયદે પાકા દબાણો દૂર કર્યા બાદ હવે થાનગઢમાં મેગા ડિમોલેશન શરૂ કર્યુ છે. ડેપ્યુટી કલેકટર મામલતદાર થાન અને ચોટીલાની ટીમ સાથે મોડી રાત્રે તરણેતર રોડ ઉપર પોલીસ બંદોબસ્ત વગર પહોંચ્યા હતા. જ્યાં નોટીસો આપવાની કામગીરી પુર્ણ કરાઇ છે. એવી સરકારી જમીનો ઉપર બનેલી 231 દુકાનો, સેનેટરીવેરના કારખાનાઓ અને હોસ્પિટલો સહિતના 260 દબાણો ચાર જેસીબી મશીન અને સ્ટાફ સાથે તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવાઇ હતી. આ કામગીરી ગુરુવારે બપોર સુધી જારી રખાઇ હતી. મોટાભાગના દબાણો દૂર કર્યા બાદ અમુક મકાનોના દબાણકર્તાઓને નોટીસ આપવાની કામગીરી પણ કરાઇ હતી. આમ 210 કરોડની સરકારી જમીન ઉપર દબાણનો સફાયો બોલાવતા તંત્ર અને અધિકારી ધારે તો બધુ જ શકય છે એ જોઇ શકાયુ હતુ. બીજી તરફ નોટીસ અપાઇ છે અને બાંધકામ તોડવાના બાકી છે એવા મોટા માથા સહિતના દબાણકર્તાઓમાં ફફડાટની લાગણી વ્યાપી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો