calendar_todayJanuary 21, 2026
Surendranagar: 29 વર્ષીય મહિલાને 21 વર્ષીય યુવક સાથે સોશિયલ મીડિયા થકી ઈન્સ્ટન્ટ લવ થયો
સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયાના જમાનામાં લોકો આકર્ષણને પ્રેમ સમજી બેસે છે. પ્રેમની કોઈ ઉંમર હોતી નથી તેમ ભાવનગરથી 29 વર્ષીય પરણીત મહીલાને જોરાવરનગરના 21 વર્ષીય યુવક સાથે ઈન્સ્ટાગ્રામ થકી ઈન્સ્ટન્ટ લવ થયો હતો. અને બન્નેએ પોતાના ઘરેથી નીકળી જઈ મૈત્રી કરાર કરી લીધા હતા. સમગ્ર મામલો જોરાવરનગર પોલીસ મથકે પહોંચતા મહિલાઓ પતિના ઘરે ન જવાનું કહી યુવક સાથે રહેવાની ઈચ્છા દર્શાવી છે.
જોરાવરનગરમાં રહેતો 21વર્ષીય યુવક હાલ કોલેજમાં અભ્યાસ કરે છે. સાથે સાથે તે મ્યુઝીક પાર્ટીઓમાં ઓરકેસ્ટ્રાનું કામ કરે છે. ગત તા.12મી જાન્યુઆરીના રોજ સાંજે તે ચૂડા એક કાર્યક્રમમાં વગાડવા જઉં છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. પરંતુ મોડી રાત સુધી અને તા. 13મીએ પણ તે પરત ઘેર ન આવતા પરિવારજનોએ ચિંતાતુર બનીને આખરે જોરાવરનગર પોલીસ મથકે ગુમ થયાની નોંધ કરાવી હતી. જોરાવરનગર પીઆઈ એચ.જી.ગોહીલના માર્ગદર્શનથી આ કેસની તપાસ કરતા બીટ જમાદાર મુળજીભાઈ મકવાણા, શીતલબેન સહિતનાઓને ગુમ યુવાન ભાવનગરમાં હોવાની જાણ થઈ હતી. જયારે તેનો મોબાઈલ ચાલુ બંધ થતો હતો અને અલગ-અલગ લોકેશન દર્શાવતો હતો. બાદમાં તેનો ફોન ચાલુ થતા પોલીસે વાત કરતા તેણે ભાવનગરની મહિલા સાથે મૈત્રી કરાર કર્યા હોવાનું તથા તે બરોડા હોવાનું સામે આવ્યુ હતુ. આથી પોલીસે બન્નેને સુરેન્દ્રનગર બોલાવી લીધા હતા. બીજી તરફ ભાવનગરમાં ગુમ મહિલાની વિગતો મેળવી તેના પરિવારજનોને પણ પોલીસ મથકે બોલાવાયા હતા. જેમાં ભાવનગરના હાદનગરમાં રહેતી 29 વર્ષીય પરિણીત મહિલાને ઈન્સ્ટાગ્રામ થકી જોરાવરનગરના યુવક સાથે પ્રેમ થયો હતો. અને યુવક ભાવનગર જતા મહિલા પણ તેના ઘરેથી ડોકયુમેન્ટ સાથે નીકળી ગઈ હતી. બન્નેએ નોટરી સમક્ષ મૈત્રી કરાર પણ કરી લીધા હતા. મહિલા પુખ્ત હોઈ અને તેના પતિ સાથે જવા ન માંગતી હોય અને યુવક સાથે રહેવાની ઈચ્છા દર્શાવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો