calendar_todayJanuary 20, 2026
Surendranagar: હત્યા કેસમાં 3 આરોપીને 7 વર્ષની સજા
વઢવાણ જીઆઈડીસીની ફાર્મા કંપનીમાંથી છુટા થયેલ કર્મચારીએ પીએફના નાણા બાબતે વર્ષ 2017માં અન્ય બે મિત્રો સાથે મળી કંપનીના ઓફીસ ઈન્ચાર્જને માર માર્યો હતો. જેમાં મારામારીના બનાવના છઠ્ઠા દિવસે ઈજાગ્રસ્તનું મોત થતા મારામારીનો આ કેસ હત્યામાં પરીણમ્યો હતો. આ અંગેનો કેસ મંગળવારે સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ત્રણેય આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી છે.
સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર આવેલા ગુણાતીતનગરમાં રહેતા 55 વર્ષીય મુકેશભાઈ જટાશંકરભાઈ ઠાકર વર્ષ 2017માં વઢવાણ જીઆઈડીસીમાં આવેલ મેપ્રો દવાની કંપનીમાં ઓફીસ ઈન્ચાર્જ તરીકે નોકરી કરતા હતા. જેમાં તેઓ કંપનીના વહીવટી કામો અને એચ.આર.ને લગતુ કામ કરતા હતા. આ કંપનીમાં અગાઉ સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર શિવહોટલ સામેની ગલીમાં રહેતો ઈમ્તીયાઝ ગફુરભાઈ ઢુસા નોકરી કરતો હતો. તા. 9-2-17ના રોજ મુકેશભાઈ નીત્યક્રમ મુજબ પોતાના ઘરેથી કંપનીએ જતા હતા. ત્યારે 80 ફુટ રોડ પર ટોપેક સીરામીકના વળાંકમાં ઈમ્તીયાઝ ઢુસા અને અન્ય ર અજાણ્યા શખ્સો હાથમાં લાકડાના ધોકા લઈને ધસી આવ્યા હતા. અને ઈમ્તીયાઝે મારા પ્રોવીડન્ડ ફંડના પૈસા કેમ હજુ સુધી નથી આવતા તેમ કહી ત્રણેયે મુકેશભાઈને માર માર્યો હતો. આ સમયે આસપાસમાંથી લોકો ધસી આવતા ત્રણેયે આજે તો તું બચી ગયો છે, હવે પછી જાનથી મારી નાંખવાનો છે તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં મુકેશભાઈને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પીટલમાં લઈ જવાયા હતા. અને બનાવની ત્રણેય સામે મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સારવાર દરમીયાન મુકેશભાઈનું તા. 15-2-17ના રોજ અવસાન થતા મારામારીનો આ બનાવ હત્યામાં પરીણમ્યો હતો. આ કેસની તપાસ દરમીયાન અન્ય 2 આરોપીઓ ઈસુબ અકબરભાઈ મોવર અને સહદેવ ઉર્ફે બાબો રમેશભાઈ દેગામડીયા હોવાનું ખુલ્યુ હતુ. આથી પોલીસે ત્રણેયની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. અને તા. 13-7-17ના રોજ આ કેસની ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરી હતી. આ અંગેનો કેસ તા. 20-1-26ના રોજ સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ આર.બી.રાઓલની દલીલો, મૌખીક અને દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ સેશન્સ જજ કે.આર.ઉપાધ્યાયે ત્રણેય આરોપીઓ ઈમ્તીયાઝ ઢુસા, ઈસુબ મોવર અને સહદેવ દેગામડીયાને 7 વર્ષના કારાવાસની સજા ફટકારી ન્યાય કર્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો