calendar_todayMarch 21, 2026
Surendranagar: ડિજિટલ સિસ્ટમથી 72,242 કાર્ડધારકોને રાશન અપાશે
સસ્તા અનાજની જાહેર વિતરણ વ્યવસ્થામાં કેન્દ્ર સરકારે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનો પાયલોટ પ્રોજેકટ ગત ફેબ્રુઆરી માસમાં અમલમાં મુકયો હતો. જેમાં હાલ સુરેન્દ્રનગર જિલ્લાને 72,242 કાર્ડ વ્હાઈટ લિસ્ટ કરીને અપાયા છે. સીબીડીસી નામે નવી પધ્ધતીથી સસ્તા અનાજના કાળા બજારીને રોકી શકાશે નાગરિકોને તેમના હક્કનું પુરૂ અનાજ મળશે તેવુ સરકાર જણાવી રહી છે.સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજય અને દેશમાં હાલ ફીંગર થકી અથવા તો રેશન કાર્ડ સાથે રજીસ્ટર થયેલા મોબાઈલમાં ઓટીપી થકી સસ્તા અનાજનું વિતરણ થાય છે. ત્યારે સરકારે સેન્ટ્રલ બેંક ડીજીટલ કરન્સી (સીબીડીસી)નો મહત્વકાંક્ષી પ્રોજેકટ જાહેર વિતરણ વ્યવસ્થા માટે અમલમાં મુકયો છે. ગુજરાતમાં આ પાયલોટ પ્રોજેકટની શરૂઆત ગત તા. 15મી ફેબ્રુઆરીએ દેશના ગૃહમંત્રી અમીત શાહના હસ્તે કરાઈ હતી. જેમાં શરૂઆતમાં અમદાવાદ, સુરત, વલસાડ અને આણંદને પસંદ કરાયા હતા. ત્યારે આ જિલ્લાઓમાં કામગીરી બાદ હવે રાજયના દરેક જિલ્લાઓને અમુક વ્હાઈટ લિસ્ટ કરીને કાર્ડ આપવામાં આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 72,242 કાર્ડ મળ્યા છે. જેમાં સભ્ય સંખ્યા 1,14,157 છે. જિલ્લા પુરવઠા અધીકારી એ.જી.ગજ્જરના માર્ગદર્શનથી સસ્તા અનાજના દુકાનદારોને સ્માર્ટ ફોન ધરાવતા ગ્રાહકોના મોબાઈલમાં આ નવી પધ્ધતીથી એપ્લીકેશન ડાઉનલોડ કરી શરૂઆત કરાવવામાં આવી રહી છે. જેમાં શહેરી વિસ્તારોમાં સસ્તા અનાજના દુકાનદારો મારફત અને ગ્રામ્યકક્ષાએ વીસીઈ દ્વારા આ એપ્લીકેશન વ્હાઈટ લિસ્ટ થયેલા ગ્રાહકોના સ્માર્ટ ફોનમાં ડાઉનલોડ કરાવાઈ રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam