calendar_todayJanuary 29, 2026
Surendranagar: પાટડી APMC તુવેરની વિપુલ આવકથી છલકાયું
પાટડી એપીએમસી એ ઝાલાવાડ ઉપરાંત ઉત્તર ગુજરાતના ખેડુતો માટે આશીર્વાદરૂપ છે. હાલ એપીએમસીમાં અન્ય જણસીઓની સાથે તુવેરની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે. જેમાં બુધવારે તુવેરના મણ દીઠ 1370 થી 1751 સુધીના ભાવ બોલાતા ખેડુતો હરખાયા હતા.
પાટડી એપીએમસીના ચેરમેન રામજીભાઈ જાદવ, વાઈસ ચેરમેન જગદીશભાઈ પટેલ, સેક્રેટરી સાગરભાઈ દેસાઈ સહિતનાઓ ખેડુતોને લક્ષમાં રાખીને એપીએમસીની સુચારૂ રૂપે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એપીએમસીમાં દુર દુરથી પોતાની જણસીઓ લઈને આવતા ખેડુતો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. હાલ પાટડી એપીએમસીમાં એરંડા, જીરૂ, તુવેર, ગવારની આવક પ્રતીદીન થાય છે. જેમાં તુવેરના સારા ભાવ મળતા ખેડુતોમાં આનંદ છવાયો છે. બજારમાં 1300થી 1400ના ભાવ સામે એપીએમસીમાં ખેડુતોને તુવેરના મણ દીઠ 1370થી 1751 સુધીના ઉંચાભાવ બુધવારે મળ્યા હતા. જેને લઈને છેલ્લા થોડા દિવસોથી દસાડા અને લખતર તાલુકા ઉપરાંત ધ્રાંગધ્રા, માંડલ અને શંખેશ્વરથી ખેડુતો પાટડી એપીએમસીમાં તુવેર વેચવા આવે છે. પાટડી એપીએમસીમાં મળતા ભાવ રાજયમાં અન્ય એપીએમસીની સામે તુવેરના ઉંચા ભાવ મળતા હોવાનું પણ ખેડુતો જણાવી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો