calendar_todayJanuary 2, 2026
Surendranagar Land Scam : નાયબ મામલતદાર જેલ હવાલે, કલેક્ટર કચેરીના મોટા માથાઓના નામ ખુલ્યા!
સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજેલા બહુચર્ચિત જમીન કૌભાંડમાં ધરપકડ કરાયેલ નાયબ મામલતદારના ૮ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન તપાસનીશ સંસ્થાઓ સામે નાયબ મામલતદારે અનેક મોટા ખુલાસા કર્યા છે, જેને પગલે હવે કલેક્ટર કચેરીના અન્ય સ્ટાફ અને વહીવટદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કૌભાંડમાં નાયબ મામલતદારે પોતાની પાસે રહેલા જમીન બિનખેતી (NA) કરવાના પાવરનો સરેઆમ દુરુપયોગ કરી, વચેટિયાઓ અને એજન્ટો મારફતે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.
રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસા
તપાસ દરમિયાન નાયબ મામલતદારના મોબાઈલ ફોનમાંથી અત્યંત મહત્વના ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. જેમાં વિવિધ નાણાકીય વ્યવહારો, ક્યાં કેટલું રોકાણ કરવામાં આવ્યું છે તેની વિગતો અને લાંચના પૈસાના હિસાબોનો સમાવેશ થાય છે. આ વિગતોના આધારે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સક્રિય થયું છે અને ટૂંક સમયમાં જ કલેક્ટર કચેરીના અન્ય શંકાસ્પદ કર્મચારીઓની પૂછપરછ હાથ ધરે તેવી પૂરેપૂરી શક્યતા છે. રિમાન્ડ દરમિયાન ખુલેલા નામોને આધારે તપાસનો વ્યાપ આગામી દિવસોમાં વધી શકે છે.
ACB ટ્રાન્સફર વોરંટથી લેશે કબજો
બીજી તરફ, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) પણ આ મામલે એક્શન મોડમાં છે. નાયબ મામલતદાર દ્વારા આચરવામાં આવેલી નાણાકીય ગેરરીતિઓને ધ્યાને રાખી ACB ટ્રાન્સફર વોરંટના આધારે તેમની ધરપકડ કરવાની તૈયારી કરી રહ્યું છે. સરકારી પદનો દુરુપયોગ કરીને આચરવામાં આવેલા આ જમીન કૌભાંડના મૂળિયાં ઘણા ઊંડા હોવાનું જણાઈ રહ્યું છે, જેમાં અનેક મોટા ગજાના અધિકારીઓ અને વચેટિયાઓની સંડોવણી હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે.
આ પણ વાંચો : Rajkot News : ઓડિયો ક્લિપ વિવાદ પર રાજુ સોલંકીનો ખુલાસો, "વાયરલ ક્લિપ જૂની છે, તોડબાજ ગેંગથી સાવધાન"