android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar News : સુરેન્દ્રનગર હવામહેલ ખાતે 21-22 માર્ચ બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નું આયોજન કરાયું

calendar_todayMarch 20, 2026

Surendranagar News : સુરેન્દ્રનગર હવામહેલ ખાતે 21-22 માર્ચ બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નું આયોજન કરાયું

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના નાગરિકોમાં પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃતિ લાવવા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉમદા આશયથી સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે આવતીકાલ તા. ૨૧ અને ૨૨ માર્ચ, ૨૦૨૬ના રોજ ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં મહોત્સવની શોભા વધારવામાં આવશે

‘સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ’ના સૂત્રને સાર્થક કરતા આ મહોત્સવમાં બરછટ ધાન્યો એટલે કે મિલેટ્સ અને રસાયણમુક્ત ખેતીના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય સર્વે કિરીટસિંહ રાણા, શામજીભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ વરમોરા અને પરષોત્તમભાઈ પરમાર સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં મહોત્સવની શોભા વધારવામાં આવશે.

શાકભાજી અને ફળો ખેડૂતો પાસેથી સીધા જ ખરીદવાની તક મળશે

આ પ્રદર્શનમાં મુખ્યત્વે મિલેટ પ્રોડક્ટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે વિશેષ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. અહીં મુલાકાતીઓને બાજરી, જુવાર અને રાગી જેવા પૌષ્ટિક ધાન્યોમાંથી બનેલી આધુનિક વાનગીઓનો રસાસ્વાદ માણવા મળશે, સાથે જ પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલા તાજા શાકભાજી અને ફળો ખેડૂતો પાસેથી સીધા જ ખરીદવાની તક મળશે. આ માર્કેટનો મુખ્ય ઉદ્દેશ્ય વચેટિયાઓને દૂર કરી ખેડૂતોને આર્થિક સદ્ધરતા આપવાનો અને ગ્રાહકોને ઉત્તમ સ્વાસ્થ્યપ્રદ આહાર ઉપલબ્ધ કરાવવાનો છે.

પ્રાકૃતિક જીવનશૈલી અપનાવવા હાર્દિક આમંત્રણ

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘શ્રી અન્ન’ અભિયાનને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 17 મહાનગરપાલિકાઓમાં આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને ખેડૂત મિત્રોને આ પ્રદર્શનની મુલાકાત લેવા અને પ્રાકૃતિક જીવનશૈલી અપનાવવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


આ પણ વાંચો : Arvalli News : કમોસમી વરસાદે ખેડૂતના હાથમાં આવેલો કોળીયો છીનવી લીધો, અરવલ્લી જિલ્લાના ખેડૂતોને ઘઉંના પાકમાં નુકસાન આવ્યું