calendar_todayAugust 16, 2026
Surendranagar News : શ્રાવણ માસમાં મહિલાઓની અનોખી શિવભક્તિ, દરરોજ બનાવે છે 25 હજાર પાર્થેશ્વર શિવલિંગ
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સુરેન્દ્રનગર શહેરમાં શિવભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરની મહિલાઓ વહેલી સવારે 3 વાગ્યાથી એકત્રિત થઈને કાળી માટીમાંથી રોજના 25 હજાર પાર્થેશ્વર શિવલિંગ બનાવીને દેવાધિદેવ મહાદેવની આરાધના કરી રહી છે. શ્રાવણ માસ દરમિયાન કુલ સવા લાખ શિવલિંગ બનાવી તેની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કર્યા બાદ તેનું વિસર્જન કરવામાં આવે છે.
ચોખા અને કેસરથી અનોખો શૃંગાર
મહિલાઓ દ્વારા માટીમાંથી શિવલિંગ તૈયાર કર્યા બાદ તેની પર ચોખાનો દાણો અર્પિત કરીને કેસરનો ચાંદલો કરવામાં આવે છે. આ શિવલિંગને એકત્રિત કરીને દરરોજ અલગ-અલગ મનોહર આકૃતિઓ રચવામાં આવે છે. શ્રાવણ માસની આ પવિત્ર આરાધનામાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈને શિવમય બની રહી છે.
આધ્યાત્મિક વાતાવરણ અને શિવભક્તિનો ઉત્સવ
મહિલાઓ દ્વારા કરવામાં આવી રહેલી આ નિષ્ઠાપૂર્વકની ભક્તિને કારણે સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મક ઉર્જાનો સંચાર થયો છે. દરરોજ વિધિવત પૂજા-અર્ચના બાદ જળાશયમાં શિવલિંગનું વિસર્જન કરવામાં આવે છે. આ અનોખા ભક્તિ આયોજનથી સુરેન્દ્રનગરમાં શ્રાવણ માસની ઉજવણી વધુ શ્રદ્ધામય બની રહી છે.
આ પણ વાંચો : Kheda News : ચિતલાવ-સરદારપુરા બ્રિજ ધરાશાયી મામલે વિવાદ, જવાબદારી લેવા મુદ્દે તંત્રમાં ખેંચતાણ