calendar_todayOctober 26, 2026
Surendranagar News: લખતરના 33 ગામોના ખેડૂતોએ નર્મદાના પ્રશ્ને ધારાસભ્ય પીકે પરમારને કરી રજૂઆત
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાંથી ખેડૂતોના પ્રશ્નોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. લખતર તાલુકાના 33 ગામોના ખેડૂતો નર્મદા યોજના સંબંધિત વિવિધ મુશ્કેલીઓને લઈને એકઠા થયા હતા અને લખતર સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક ધારાસભ્ય પીકે પરમારની ઉપસ્થિતિમાં રૂબરૂ રજૂઆત કરી હતી. ખેડૂતોની આ રજૂઆતથી વિસ્તારમાં સિંચાઈના પાણીનો પ્રશ્ન ફરી એકવાર એરપોર્ટ પર આવ્યો છે.
કેનાલોની સફાઈ, લીકેજ અને ઓવર ટોપિંગની સમસ્યા
ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં મુખ્યત્વે નર્મદા કેનાલોની ખરાબ હાલતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કેનાલોની યોગ્ય સાફ-સફાઈ ન થવી, કેનાલોમાં મોટા પ્રમાણમાં લીકેજ હોવું, ઓવર ટોપિંગ થવું તેમજ આસપાસના ખેતરોમાં ભેજ લાગવા જેવી ગંભીર સમસ્યાઓ અંગે ધારાસભ્યને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું છે કે, સમયસર મરામત ન થવાને કારણે તેમને ભારે નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે.
વડલા, અણીયારી સહિતના ગામોમાં પાણી ન પહોંચવાની રાવ
આ બેઠક દરમિયાન ખેડૂતોએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે વડલા, સાકર, અણીયારી, તલસાણા, તાવી સહિતના અનેક ગામોમાં કેનાલના અંતિમ છેડા સુધી પૂરતું પાણી પહોંચતું નથી. સિંચાઈ માટે પાણી ન મળવાના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

ધારાસભ્ય દ્વારા વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી
ખેડૂતોની આ તમામ રજૂઆતો સાંભળ્યા બાદ ધારાસભ્ય પીકે પરમારે ખેડૂતોને હૈયાધારણ આપી હતી. તેમણે આગામી સમયમાં સંબંધિત નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ તમામ પ્રશ્નો રજૂ કરવાની અને વહેલી તકે તમામ મુશ્કેલીઓનું કાયમી નિરાકરણ આવે તે માટે સઘન પ્રયાસો હાથ ધરવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો: Surendranagar: PGVCLની 31 ટીમોના સામૂહિક દરોડામાં ₹20.30 લાખની વીજ ચોરી પકડાઈ