calendar_todayOctober 16, 2026
Surendranagar News: સાયલાના ચિત્રાલાખ ગામેથી ફરી ઝડપાઈ કરોડોની ખનિજચોરી, રૂ. 43.95 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચિત્રાલાખ ગામની સીમમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. 10 દિવસની અંદર તંત્ર દ્વારા આ વિસ્તારમાં કરાયેલો આ ત્રીજો મોટો દરોડો છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા ખનિજચોરી સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા છે, જેના પગલે રેન્જની ટીમે ઓચિંતો છાપો મારીને ખનિજ ચોરીના મોટા કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે. પોલીસની આ અચાનક કાર્યવાહીથી ખનિજ ચોરોમાં નાસભાગ મચી ગઈ હતી.
સ્થળ પરથી 19 ચાલુ કોલસાના કૂવા અને લાખોનો જથ્થો ઝડપાયો
રાજકોટ રેન્જ આઈજીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચિત્રાલાખની સીમમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન સ્થળ પર ગેરકાયદે કાર્બોસેલ એટલે કે કોલસા ખનિજ ઉલેચવા માટે બનાવવામાં આવેલા 19 કૂવાઓ એકદમ ચાલુ હાલતમાં મળી આવ્યા હતા. ખનિજ માફિયાઓ દ્વારા બેખોફ બનીને કિંમતી ખનિજનું ગેરકાયદે ખોદકામ ચાલુ રાખવામાં આવ્યું હતું.

રૂ. 43.95 લાખનો મુદ્દામાલ જપ્ત, માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા
પોલીસ અને ખનિજ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં સ્થળ પરથી 3 ટ્રેક્ટર, 1 કમ્પ્રેશર, 2 મોટરસાઇકલ, 19 ચરખીઓ તેમજ 270 ટન જેટલો બહાર કાઢેલો કોલસાનો જથ્થો ઝડપાયો હતો. કુલ રૂ. 43.95 લાખનો આ મુદ્દામાલ ખાણ-ખનિજ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. દરોડા બાદ તમામ કોલસા ચોર ભૂમાફિયાઓ પોતાની માયા સંકેલીને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, અને પોલીસે તેમની સામે કાયદેસરની સઘન તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Surendranagar News: ગેરકાયદે ખનન સામે તંત્રની લાલ આંખ, 4.45 કરોડનો મુદ્દામાલ જપ્ત