android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surendranagar News:સાયલા-ચોટીલા હાઇવે પર તંત્રની બેદરકારી, ડોળિયા બાઉન્ડ્રીના ડાઇવર્ઝન પર 5 વાહનોનો અકસ્માત

calendar_todayJuly 6, 2026

Surendranagar News:સાયલા-ચોટીલા હાઇવે પર તંત્રની બેદરકારી, ડોળિયા બાઉન્ડ્રીના ડાઇવર્ઝન પર 5 વાહનોનો અકસ્માત

સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર આવેલા ડોળિયા બાઉન્ડ્રી પાસે નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી અને અણઘડ આયોજન સામે આવ્યું છે. અમદાવાદ રાજકોટ હાઈવે પર ઓવરબ્રિજના એક્સપેન્શન જોઇન્ટ તેમજ રોડ પર પડેલા મસમોટા ખાડાઓના મરામતની ધીમી કામગીરી વચ્ચે રવિવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત સર્જાયો હતો. સુરક્ષાના નિયમોનો ઉલાળીયો કરીને બનાવાયેલા ડાઇવર્ઝનમાં અંધારાને કારણે એકસાથે પાંચ વાહનો ધડાકાભેર અથડાયા હતા.

અંધારામાં ડાઇવર્ઝન ન દેખાતા અકસ્માત

ઓવરબ્રિજ ઉતરતા જ કોઈ પણ જાતની પૂરતી સુરક્ષા સાઇન વગર મુકાયેલા ડાઇવર્ઝનમાં રવિવારે મોડી રાત્રે ત્રણ ફોર-વ્હીલ કાર અને બે ટ્રક ચાલકો અંધારાના કારણે ઘૂસી ગયા હતા. એકસાથે પાંચ વાહનો વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં તમામ વાહનોને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે. આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ એકથી બે લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

મંથર ગતિએ ચાલતું કામ અને ટ્રાફિક જામની કાયમી સમસ્યા

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા 15 થી 20 દિવસથી હાઈવે મરામતની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે. ડાઇવર્ઝન પર સલામતી લાયક અંતર પણ રાખવામાં આવ્યું નથી. જેના કારણે હાઈવેની બંને તરફ સર્વિસ રોડ પર વાહનોની લાંબી કતારો લાગે છે અને ટ્રાફિક જામ રોજની સમસ્યા બની ગઈ છે.

Surendranagar News Sayla-Chotila Highway Accident 5 Vehicles Crash At Doliya Boundary Diversion (1)

અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી: સ્થાનિકોનો આક્ષેપ

તાલુકા સંકલનની બેઠકમાં પણ આ બિસ્માર હાઈવે અને કાચબા ગતિએ ચાલતી કામગીરીનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. આમ છતાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. જાગૃત નાગરિકોમાં તંત્રની આ નીતિ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું હાઈવે ઓથોરિટી કોઈ મોટી જાનહાનિ થાય ત્યાર પછી જ જાગશે કે કેમ?


આ પણ વાંચો - Surendranagar News: શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની 'બેક ટુ સ્કૂલ' પહેલ, 'ડ્રોપ આઉટ' દીકરીના ઘરે રૂબરૂ જઈ પાઠ્યપુસ્તકો આપ્યા