calendar_todayAugust 30, 2026
Surendranagar News: લખતરમાં સદાદના સ્વયંભૂ ઉટેશ્વર મહાદેવ મંદિરે યોજાયો રક્તદાન કેમ્પ, 67 બોટલ બ્લડ એકત્રિત
લખતર તાલુકાના સદાદ અને લખતર ગામની સીમાડે આવેલ સ્વયંભૂ ઉટેશ્વર મહાદેવજીના પવિત્ર મંદિર પરિસરમાં શ્રાવણ માસ નિમિત્તે એક વિશેષ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદાદ ઉટેશ્વર સમિતિ તેમજ લાઈફ લાઈન બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે મહા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. ધાર્મિક વાતાવરણ વચ્ચે યોજાયેલા આ કેમ્પમાં ભક્તો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભાઈઓ સાથે બહેનોએ પણ કર્યું ઉત્સાહપૂર્વક રક્તદાન
આ રક્તદાન કેમ્પની વિશેષતા એ રહી કે તેમાં સ્થાનિક યુવાનો અને ભાઈઓની સાથે મોટી સંખ્યામાં બહેનોએ પણ આગળ આવીને રક્તદાન કર્યું હતું. માનવતાના આ ઉમદા કાર્યમાં લાઈફ લાઈન બ્લડ સેન્ટરના ડો. પ્રવીણભાઈ વ્યાસ, રવિભાઈ રાઠોડ અને પરવેઝભાઈ ચૌહાણ સહિતની તબીબી ટીમે પોતાની બહુમૂલ્ય સેવાઓ આપી હતી.
રક્તદાતાઓ વધતાં લોહીની બોટલો ખૂટી પડી
રક્તદાન કેમ્પમાં શ્રદ્ધાળુઓ અને સેવકોનો રક્તદાન કરવા માટે એટલો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો કે, બ્લડ સેન્ટરની ટીમને બોટલોની અછત વર્તાઈ હતી. લાઈફ લાઈન બ્લડ સેન્ટરની ટીમ પોતાની સાથે કુલ 67 બોટલ લઈને આવી હતી, જે તમામ 67 બોટલ રક્તથી ભરાઈ ગઈ હતી. રક્તદાતાઓની સંખ્યા વધતાં અંતે બોટલો ખૂટી પડી હતી, જે સ્થાનિકોના અદ્ભુત પ્રતિસાદ દર્શાવે છે.

કેમ્પ બાદ મહાપ્રસાદનું ભવ્ય આયોજન
ઉટેશ્વર મહાદેવજીના મંદિરના પ્રાંગણમાં સફળતાપૂર્વક યોજાયેલા આ રક્તદાન કેમ્પના સમાપન બાદ સદાદ ઉટેશ્વર સમિતિના સેવકો દ્વારા તમામ રક્તદાતાઓ, તબીબી ટીમ અને દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ રક્તદાન જેવા મહાદાનના કાર્યમાં સહભાગી બની શ્રાવણ માસની ઉજવણીને અર્થપૂર્ણ બનાવી હતી.
આ પણ વાંચો - Surendranagar News: લખતરના વડેખણ ખાતે 1.18 કરોડના ખર્ચે શાળાનું ખાતમૂહૂર્ત અને આંગણવાડીનું લોકાર્પણ