calendar_todayMay 4, 2026
TamilNadu Election Result 2026 : 2011થી અજેય કિલ્લો ગણાતી કોલાથુર બેઠક પર મુખ્યમંત્રી સ્ટાલિનની હાર, થલાપતિ વિજયના ઉમેદવારની ભવ્ય જીત
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ સમગ્ર દેશને ચોંકાવી દીધા છે. દક્ષિણ ભારતના રાજકારણમાં દાયકાઓથી પ્રભુત્વ ધરાવતી ડીએમકે અને મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના કિલ્લાને સુપરસ્ટાર વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ એ ધ્વસ્ત કરી નાખ્યો છે. સૌથી મોટો ઉલટફેર કોલાથુર બેઠક પર જોવા મળ્યો છે, જ્યાં ખુદ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની હાર થઈ છે.
પોતાના જ સાથીએ આપી માત
કોલાથુર બેઠક, જે 2011થી સ્ટાલિનનો અજેય ગઢ મનાતી હતી, ત્યાં તેમના જ ભૂતપૂર્વ સાથી અને 2011માં તેમના ચૂંટણી પ્રભારી રહેલા વી.એસ. બાબુએ હરાવ્યા છે. વી.એસ. બાબુ તાજેતરમાં જ વિજયની પાર્ટી TVK માં જોડાયા હતા. સ્ટાલિનની આ હાર ડીએમકે માટે આઘાતજનક માનવામાં આવે છે, કારણ કે તેમના પિતા કરુણાનિધિના અવસાન બાદ પ્રથમવાર સ્ટાલિનનો જનાદેશ નબળો પડ્યો છે.
મંત્રીમંડળના દિગ્ગજો પણ મુશ્કેલીમાં
માત્ર સ્ટાલિન જ નહીં, પણ ડીએમકેના અનેક પાવરફુલ મંત્રીઓ પણ પાછળ ચાલી રહ્યા છે. જનરલ સેક્રેટરી દુરાઈ મુરુગન (કાટપાડી), પી. ગીતા જીવન, અને કે.એન. નેહરુ જેવા દિગ્ગજો પોતાની બેઠકો પર હારનો સામનો કરી રહ્યા છે. આ વલણો સૂચવે છે કે તમિલનાડુની જનતાએ સત્તાપરિવર્તનનો મિજાજ બનાવી લીધો છે.
વિજયનો વિજયી 'સ્ટાર્ટઅપ'
સુપરસ્ટાર વિજયે પોતાની રાજકીય સફરના પ્રથમ જ પ્રયાસમાં ઈતિહાસ રચી દીધો છે. તેમની પાર્ટી TVK હવે આમ આદમી પાર્ટી અને તેલુગુ દેશમ પાર્ટીની હરોળમાં આવી ગઈ છે, જે પોતાના પ્રથમ જ વર્ષોમાં સત્તાના સિંહાસન સુધી પહોંચવામાં સફળ રહી છે. 'થલાપતિ' વિજયના નેતૃત્વમાં તમિલનાડુમાં એક નવા યુગની શરૂઆત થઈ રહી હોય તેવું જણાય છે.
આ પણ વાંચો --- West Bengal Election Result 2026 : કોંગ્રેસના સુપડા સાફ, દિલ્હી-આંધ્ર બાદ હવે બંગાળમાં પણ 'ઝીરો'ની હેટ્રિક ભણી? પછડાટનો સિલસિલો યથાવત