android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Tapi: ડોલવણના વાંકલા ગામમાં સરકારી યોજનાના બોર-ટાંકીના લાખોના કામ માત્ર કાગળ ઉપર

calendar_todaySeptember 14, 2026

Tapi: ડોલવણના વાંકલા ગામમાં સરકારી યોજનાના બોર-ટાંકીના લાખોના કામ માત્ર કાગળ ઉપર

ડોલવણ તાલુકાના વાંકલા ગામે સરકારી ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ બોર વિથ ટાંકીનું કામ સ્થળ ઉપર કર્યા વિના માત્ર દફતર ઉપર જ પુર્ણ બતાવી લાખો રૂપિયાની ગ્રાન્ટ બારોબાર ઉપાડી લેવાનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેમાં કસુરવારો સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગણી સાથે સ્થળ નિરીક્ષણ કરવાની લેખિત રજુઆત જિલ્લા પંચાયતના સભ્ય દ્ધારા જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી છે.

તાપીના ડોલવણ તાલુકાના વાંકલા ગામમાં આદિ આદર્શ યોજના હેઠળ બોર-ટાંકીના કામોમાં લાખો રૂપિયા ગેરવલ્લે થયાના આક્ષેપ થયા છે. તાપી જિલ્લા સિંચાઇ વિભાગ હસ્તક વર્ષ 2021-22 ની આદિ આદર્શ યોજના હેઠળ આદિવાસી લાભાર્થીના ઘર પાસે આ કામ મંજુર થયું હતું, જે સરકારી ચોપડે 30 જુન 2024 ના રોજ પુર્ણ જાહેર કરી કોન્ટ્રાકટરને નાણાં પણ ચુકવી દેવામાં આવ્યા હતા. જો કે વાસ્તવિકતામાં સ્થળ ઉપર કોઇ બોર કે ટાંકીનું અસ્તિત્વ જ નથી અને માત્ર નળ વગની નિર્જીવ પ્લાસ્ટિક પાઇપ ઉભી છે. આ ગંભીર ભ્રષ્ટ્રાચાર મુદ્દે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય નિલેશ ગામીત દ્વારા તાપી જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે અગાઉ આ અંગે ફરીયાદ થતાં તત્કાલિન કલેકટર દ્ધારા નિમાયેલી તપાસ સમિતિએ પણ સ્થળ પર ગયા વિના કામ બરાબર છે તેવો બોગસ અહેવાલ આપી કૌભાંડ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ ભ્રષ્ટ્રાચાર આચરનાર ડેપ્યુટી એન્જિનિયર, કોન્ટ્રાકટર અને ખોટો રિપોર્ટ બનાવનાર તપાસ સમિતિના સભ્યો સામે તાત્કાલિક એફ.આઇ.આર.નોંધવા તથા સરકારી નાણાંની રિકવરી કરવા તેમજ સમગ્ર તાપી જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં આદિ આદર્શ યોજના હેઠળ થયેલા તમામ કામોની સ્ટેટ વિજિલન્સ કે એસીબી મારફતે ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની ઉગ્ર માંગ કરી છે. જો વહેલી તકે કાનૂની પગલાં નહીં લેવાય તો આદિવાસી સમાજ દ્ધારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો