android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Tapi : કલેક્ટર કચેરીથી માત્ર 10 કિમી દૂર સરૈયા ગામના આદિવાસીઓ પાયાની સુવિધા માટે તરસ્યા

calendar_todayMay 1, 2026

Tapi : કલેક્ટર કચેરીથી માત્ર 10 કિમી દૂર સરૈયા ગામના આદિવાસીઓ પાયાની સુવિધા માટે તરસ્યા

સરકાર દ્વારા વિકાસની મસમોટી વાતો અને જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર હકીકત કંઈક અલગ જ ભયાનક છે. તાપી જિલ્લા સેવા સદન અને જિલ્લા પંચાયત કચેરીથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા વ્યારાના સરૈયા ગામના ભીલ ફળિયામાં આજે પણ આદિવાસી સમાજ પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યો છે. સંદેશની ટીમની મુલાકાતમાં વિકાસના પોકળ દાવાઓની થપાટ સમાન સત્ય બહાર આવ્યું છે.

ટીપે ટીપે પાણી માટે મહિલાઓનો રઝળપાટ

આ વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે. વિકાસના નામે અહીં માત્ર એક જૂની ટાંકી અને ઘરે-ઘરે તૂટેલા નળ જોવા મળે છે. પીવાના પાણી માટે એકમાત્ર બોર છે, પરંતુ તેમાંથી પણ માંડ બે બેડા પાણી નીકળે છે. બાકીની મહિલાઓને પાણી ભરવા માટે કિલોમીટરો સુધી રઝળપાટ કરવો પડે છે અથવા ખાલી હાથે પરત ફરવું પડે છે. પાણી ભરવું કે પેટ ભરવા મજૂરીએ જવું, તે આ પરિવારો માટે એક મોટો કોયડો બની ગયો છે.

આવાસ અને શિક્ષણના નામે મીંડું

અહીં રહેતા મોટાભાગના લોકો જમીન વિહોણા છે. વર્ષો પહેલા મળેલી ઇન્દિરા આવાસની સહાય બાદ અહીં કોઈ નવી આવાસ યોજના પહોંચી નથી. લોકો કાચા અને જર્જરિત ઝૂંપડામાં રહેવા મજબૂર છે. શિક્ષણની સ્થિતિ પણ દયનીય છે; ગામના અન્ય ભાગોમાં સગવડ છે, પણ આ ફળિયામાં બાળકો માટે એક આંગણવાડી સુધ્ધાં નથી.

નેતાઓ ગાયબ, ગરીબી બની સજા

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે સરપંચ અહીં ક્યારેય મોઢું બતાવવા પણ આવતા નથી. ગરીબ પરિવારોમાં દહેશત છે કે શું તેમના બાળકોનું ભવિષ્ય પણ મજૂરીમાં જ હોમાઈ જશે? કલેક્ટર કચેરીની આટલી નજીક હોવા છતાં આ વિસ્તાર કેમ અવિકસિત છે, તે એક મોટો સવાલ છે. શું સરકાર આ ગરીબ આદિવાસીઓની વેદના સાંભળશે કે પછી માત્ર કાગળ પર જ વિકાસની ગાથાઓ ગાતી રહેશે?


આ પણ વાંચો---    Bhavnagar : સોની દંપતી હત્યા કેસમાં મોટો ખુલાસો, શ્રવણ બન્યો કસાઈ, પત્ની સાથે મળી માતા પિતાની હત્યા કરી