calendar_todayMay 13, 2026
Tapi : સોનગઢના ટોકરવા ગામેથી વાઘના ચામડા અને નખ સાથે 6 શખ્સો ઝડપાયા
રાજ્યમાં વન્યજીવોના અંગોની તસ્કરી કરતા શખ્સો સામે વન વિભાગે લાલ આંખ કરી છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં વન વિભાગની ટીમે એક ગુપ્ત ઓપરેશન પાર પાડીને વાઘના ચામડા અને નખના જથ્થા સાથે 6 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ઘટનાને પગલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સોનગઢ દોડી આવ્યા છે.
ટોકરવા ગામે મહાકાળી મંદિરેથી ઝડપાયા અવશેષો
પ્રાપ્ત વિગતો અનુસાર, સાદડવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) અને સોનગઢ વન વિભાગની ટીમને બાતમી મળી હતી કે સોનગઢના ટોકરવા ગામે વન્યજીવના અવશેષોનો સોદો થવાનો છે. આ બાતમીના આધારે ટોકરવા ગામે આવેલા મહાકાળી મંદિર પાસે વન વિભાગે ઓચિંતી રેડ કરી હતી. તપાસ દરમિયાન ત્યાંથી વાઘનું ચામડું અને તેના નખ મળી આવ્યા હતા, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી કિંમત હોવાનું મનાય છે.
કાયદેસરની કાર્યવાહી
વન વિભાગે સ્થળ પરથી કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. આટલી મોટી માત્રામાં વાઘના અવશેષો ક્યાંથી લાવવામાં આવ્યા અને તેનું વેચાણ કોને કરવાનું હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને જોતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સોનગઢમાં ધામો નાખ્યો છે. પકડાયેલા તમામ 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વાઘ જેવા સંરક્ષિત પ્રાણીના શિકાર અને તસ્કરીના આ કેસમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો--- Amul દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રુપિયાનો વધારો, જાણો કાલ સવારથી અમૂલ ગોલ્ડ, તાજા અને શક્તિના નવા ભાવ