calendar_todayApril 16, 2026
Tapi News: વ્યારાની ઉકાઈ સુગર ફેક્ટરીમાં વિરોધ પ્રદર્શન, 2 મહિનાથી મજૂરોનો પગાર ન મળતા ઓફિસ બહાર અડિંગો
લોકોના રસોડામાં ખાંડની મીઠાશ પહોંચાડનારા શેરડી કટિંગ મજૂરોના જીવનમાં હાલ કડવાશ ભળી છે. તાપી જિલ્લાના વ્યારા સ્થિત ઉકાઈ પ્રદેશ સુગર ફેક્ટરી ફરી એકવાર વિવાદમાં આવી છે. છેલ્લા બે મહિનાથી શેરડીની કાપણી કરતા ગરીબ મજૂરોને તેમનો હકનો પગાર ન મળતા મજૂરોની હાલત કફોડી બની છે.
મજૂરોમાં ભારે રોષ
પગારની માગ સાથે મજૂરો છેલ્લા બે દિવસથી દિવસ-રાત ધોમધખતા તાપમાં સુગર ફેક્ટરીની ઓફિસ બહાર અડિંગો જમાવીને બેઠા છે. મજૂરોનો આક્ષેપ છે કે, મહેનત કર્યા હોવા છતાં ફેક્ટરી વહીવટદારો દ્વારા તેમને નાણાં ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. મજૂરોની સાથે સાથે શેરડીની હેરાફેરી કરતા ટ્રક ચાલકોનું ભાડું પણ લાંબા સમયથી બાકી હોવાનો સુર ઉઠ્યો છે.
1 કરોડના કૌભાંડનો આક્ષેપ
આ સમગ્ર મામલામાં એક ચોંકાવનારો આક્ષેપ પણ સામે આવ્યો છે. મજૂરો અને સંકળાયેલા લોકોના મતે, ભરતી સુપરવાઈઝર દ્વારા મજૂરોના પગાર પેટેની 1 કરોડથી વધુની રકમ ઉપાડી લેવામાં આવી છે. આ નાણાકીય ગેરરીતિને કારણે મજૂરોને પૂરતું વેતન મળી રહ્યું નથી. હાલ તો પોતાની મજૂરીના નાણાં મેળવવા માટે મજૂરો આરપારની લડાઈના મૂડમાં જોવા મળી રહ્યા છે. સુગર ફેક્ટરીનું તંત્ર આ મામલે શું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો - Tapi News: ઉચ્છલ-નિઝર હાઇવે પર બે બાઇકો વચ્ચે ભયાનક અકસ્માત, ત્રણ આશાસ્પદ યુવકોના કરુણ મોત