android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Telangana : ચૂંટણી વચનના નામે ક્રૂરતા, એક અઠવાડિયામાં 500 રખડતા કૂતરાઓની હત્યા

calendar_todayJanuary 14, 2026

Telangana : ચૂંટણી વચનના નામે ક્રૂરતા, એક અઠવાડિયામાં 500 રખડતા કૂતરાઓની હત્યા

તેલંગાણાના કામારેડ્ડી અને હમ્માનાકોંડા જિલ્લામાં રખડતા કૂતરાઓની સામૂહિક હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન આપેલા વચનો પૂરા કરવા માટે સાત દિવસમાં આશરે 500 રખડતા કૂતરાઓને મારી નાખવામાં આવ્યા. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે સુપ્રીમ કોર્ટમાં દેશભરમાં રખડતા કૂતરાઓના મુદ્દે સુનાવણી ચાલી રહી છે.

12 જાન્યુયારીના રોજ ફરિયાદ નોંધાવી

અહેવાલો મુજબ, 12 જાન્યુઆરી 2026ના રોજ સ્ટ્રે એનિમલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના એનિમલ ક્રુઅલ્ટી પ્રિવેન્શન મેનેજર અદુલાપુરમ ગૌતમે માચરેડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે પલવાંચા મંડળના ભવાનીપેટ, પલવાંચા, ફરીદપેટ, વાડી અને બંદારામેશ્વરપલ્લી સહિતના ગામોમાં છેલ્લા બે થી ત્રણ દિવસમાં લગભગ 200 રખડતા કૂતરાઓને ઝેરી ઇન્જેક્શન આપીને મારી નાખવામાં આવ્યા.

સરપંચોના કહેવાથી હત્યા કરી

ફરિયાદી મુજબ, 12 જાન્યુઆરીના રોજ બપોરે તેમને વિશ્વસનીય માહિતી મળી હતી કે ગામના સરપંચોના કહેવાથી આ હત્યાઓ કરવામાં આવી છે. સાંજે તેઓ ભવાનીપેટ ગામ પહોંચ્યા ત્યારે યેલમ્મા મંદિર પાછળ પેદ્દાચેરુવુ વિસ્તારમાં અનેક કૂતરાઓના મૃતદેહ પડેલા જોવા મળ્યા. અન્ય ગામોમાં પણ આવી જ ઘટનાઓની પુષ્ટિ થતી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ મામલે પાંચ સરપંચો અને કિશોર પાંડે નામના એક વ્યક્તિ પર આરોપ મૂકવામાં આવ્યા છે, જેને કૂતરાઓને મારવા માટે ભાડે રાખવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

વધુ એક ગંભીર કેસ

આ જ પ્રકારનો વધુ એક ગંભીર કેસ હમ્માનાકોંડા જિલ્લામાં નોંધાયો છે. શાયમપેટ અને અરેપલ્લી ગામોમાં લગભગ 300 રખડતા કૂતરાઓની હત્યાના આરોપસર બે મહિલા સરપંચો, તેમના પતિઓ સહિત કુલ 9 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, ચૂંટણી પહેલાં ઉમેદવારોએ રખડતા કૂતરા અને વાંદરાની સમસ્યા દૂર કરવાનો વચન આપ્યો હતો, પરંતુ હવે આ સમસ્યાનો ઉકેલ તરીકે કૂતરાઓની હત્યા કરવામાં આવી.

કૂતરાઓના મૃતદેહને ગામની બહાર દફનાવી

હત્યાઓ બાદ કૂતરાઓના મૃતદેહને ગામની બહાર દફનાવી દેવામાં આવ્યા હતા. પશુચિકિત્સકોની ટીમે મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કર્યું છે. પોલીસનું કહેવું છે કે તપાસ ચાલુ છે અને દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાણી અધિકાર કાર્યકરોએ આ ઘટનાને અમાનવીય અને ગેરકાયદેસર ગણાવી છે અને જવાબદારોને કડક સજા કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો : 23 વર્ષ પછી દુર્લભ સંયોગ, ષટ્તિલા એકાદશી અને મકરસંક્રાંતિએ ગંગા ઘાટ પર ઉમટી ભીડ